ભુજ-ગાંધીધામમાં એક ડઝન જુગારીઓ ઝડપાયા

હોળી – ધુળેટીની ગંજીપાના ટીચીને ઉજવણી કરતા શખ્સો ૧,૭૩,૧ર૦ના મુદ્દામાલ સાથે જબ્બે

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : હોળી – ધુળેટીના તહેવારો વચ્ચે ગંજીપાના ટીચીને ઉજવણી કરતા એક ડઝન જુગારીઓને પોલીસે ઝડપી પાંજરે પૂર્યા હતા. ભુજના ગણેશનગરમાં ઘરની અંદર રમાતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સાત જુગારીઓ ઝડપાયા હતા, તો ગાંધીધામ કારગો આઝાદ નગરમાંથી પણ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગણેશનગરમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડયો હતો. આરોપી ધનબાઈ ધારશીભાઈ મહેશ્વરીના રહેણાંક મકાનમાં બહારથી આરોપીઓને જુગાર રમવા માટે બોલાવી રોકડ રૂપિયાની હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો, જેમાં રામબાઈ રવજી કેરાઈ (ઉ.વ.૬૦), વીણાબેન જયંતીલાલ પરમાર, હીરબાઈ મીઠુ મહેશ્વરી, કાનબાઈ રામજી મારવાડા, તારામતી વાલજી હીરાણી અને રામીબેન અતુલભાઈ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલાઓના કબજામાંથી ૧૪ હજારની રોકડ રકમ તેમજ ૧૩,પ૦૦ના મોબાઈલ મળી કુલ્લ ર૭,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી મહિલાઓ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગાંધીધામ કારગો આઝાદનગરમાં રાજુભાઈ નોગાભાઈ પરમારના રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર ખેલતા રાજુભાઈ ઉપરાંત અરવિંદ રતાભાઈ ધવડ, ખોડાભાઈ નાથાભાઈ સોલંકી, અરજણભાઈ જેસંગભાઈ ધેડા તેમજ જગદીશ ચોકીન નટ્ટ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના કબજામાંથી રોકડા રૂા. ૩૦,૧ર૦/- તેમજ પપ,પ૦૦ના પાંચ નંગ મોબાઈલ, ૬૦ હજારની બે બાઈક મળીને કુલ્લ ૧,૪પ,૬ર૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધતા કીર્તિભાઈ ગેડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.