ભુજ ખાતે રાજયમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોરોના કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ

સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ ધીરે ધીરે કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે અગમચેતીના પગલા સ્વરૂપે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કોરોના રિવ્યું મિટીંગ યોજાઈ હતી. આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાપરમાં વેકિસનેશનની ધીમી ગતિ, નગરપાલિકાઓમાં વેકિસનેશનની સ્થિતિ, સેનેટાઈઝેશન અને માસ્ક વિતરણની કામગીરી વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરી સંલગ્ન વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. તો સાથે કોરોનાનો ઉપચાર કરતી ખાનગી હોસ્પિટલની સુવિધાઓ તથા ત્યાં પ્રજાનું શોષણ ન થાય તે માટે મોનીટરીંગ માટે જિલ્લા સ્તરે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવા કલેકટરશ્રીને સુચન કર્યુ હતું. ઉપરાંત કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી દરેક તાલુકામાં ૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરવા પણ સુચન કર્યુ હતું. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પણ વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ લોકોને વધુ જાગૃત કરવા માટે આ કામગીરીમાં વધુને વધુ સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો તેમજ જે તે ક્ષેત્રના પદાધિકારીઓને સાંકળવા માટે સૂચન કર્યુ હતું. સાથે તેમણે વિવિધ સરકારી વિભાગોમાં થયેલ વેકિસનેશનની માહિતી પણ મેળવી હતી. આ ઉપરાંત કોરોનાના કેસો ફરી વધવા પાછળનું કારણ જાણવા પણ તેમણે ઉત્સુકતા બતાવી હતી. અંજાર-ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વેકિસનના પ્રથમ ડોઝની સામે બીજો ડોઝ લેનારાની સંખ્યા ઓછી હોવાનું કારણ મેળવી તે અંગે જરૂરી કામગીરી કરવા સુચન કર્યુ હતું. સાથે કોરોનાના વધતા કેસના પગલે બિનજરૂરી સામાજિક કાર્યક્રમ પર નિયંત્રણ રાખવું જોઇએ તેવું સુચન કર્યુ હતું. આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ રિક્ષા દ્વારા માઇક સિસ્ટમથી કોરોના અંગેની જાગૃતિ માટે જે કામગીરી કરવામાં આવે છે તે હજુ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગે મંતવ્યો મેળવી જરૂરી સુચનો કર્યા હતા. દરેક વોર્ડમાં, જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર આવી રીક્ષા દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે તેવું સુચન કર્યુ હતું. ઉપરાંત રિક્ષાનો સમયગાળો પણ આખા દિવસનો કરવા માટે તમામ અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત ડો.માઢકે અને ડો.બુચ કોરોનાની હાલની પરિસ્થિતિ તેમજ વેકિસનેશનની કામગીરી અંગે જરૂરી તમામ માહિતી રજુ કરી હતી. સાથે દવાના સ્ટોક, વેન્ટિલેટર્સ, બેડ વગેરેની ઉપલબ્ધતા અંગે માહિતી આપી હતી. તેમજ વેકિસનેશન કામગીરીને હજુ વધુ ઝડપી બનાવવા તેમજ તેના અંગેની જાગૃતિ વધારવા કાઉન્સેલિંગ તેમજ વેબીનાર વગેરેને જરૂરી ગણાવ્યા હતા. આ બેઠકમાં માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા અને નવ નિયુકત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, તમામ પ્રાંત અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તેમજ દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.