ભુજ આરટીઓમાં મામુને મોટોભા બનાવવામાં અધિકારીઓનો સિંહફાળો

ટુ-ફોર વ્હીલર પાસીંગ, નવા ટ્રાન્સપોર્ટ વાહનોનું રજીસ્ટ્રેશન, જૂના વાહનોના ફીટનેસ સહિતની કામગીરીમાં બાબુઓની ઉપરની કમાણી વસૂલવાનો ઈજારો વર્ષોથી મામુને : દરરોજના ૧ લાખની ઉઘરાણી કરે છે આ શખ્સની ચર્ચા

મામુને મુરઘો બનાવી ઉલટ તપાસ થાય તો કાળા નાણાનું કરોડોનું કૌભાંડ આવે બહાર : અનેક અધિકારીઓના પગ નીચેથી સરકે જમીન : એસીબીને આરટીઓ અધિકારી સાથે મામુ જેવા ભ્રષ્ટાચારીઓ દેખાશે… : એસીબી અહી પણ નજર કરે તે પણ જરૂરી

ભુજ : ભ્રષ્ટાચારના એપી સેન્ટર સમાન બનેલી ભુજ આરટીઓ કચેરીમાં અધિકારીઓ સમયાંતરે બદલે છે, પરંતુ ફોલ્ડરીયા એવા મામુનું વર્ચસ્વ વર્ષોથી અકબંધ છે. દરેક નવા બાબુઓનો માનીનો બતી રહેતા મામુને મોટો ભા બનાવવામાં અધિકારીઓનો જ સિંહફાળો છે. હાલે મામુએ અધિકારીઓને નવડાવી દીધા હોઈ કચેરીમાં તેના કાંડાની જ ચર્ચા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ શખ્સ દરરોજના ૧ લાખના ઉઘરાણા કરી અધિકારીઓ સુધી પહોંચાડે છે. આમાં મોટા ભાગે અડધીથી વધુ રકમ ચાઉ થઈ જાય છે. અહી આરટીઓ એજન્ટ અને આરટીઆઈ વાળા ધામાં નાખીને બેઠા હોય છે. આરટીઓ કમિશ્રર દ્વારા અન્ય જિલ્લાઓમાં તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેવી કાર્યવાહી ભુજ આરટીઓ કચેરીમાં કરાય તે પણ જરૂરી છે.આ અંગેની વિગતે વાત કરીએ તો ભુજ આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચારના મૂળિયા ખૂબજ ઉંડા ઉતરી ગયા હોઈ આર્થિક વ્યવહાર વિના કામ કરાવવું અશક્ય છે. કચેરીમાં દરેક કામ માટે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવી છે. કાયદેસરની સરકારી ફી ભરવા ઉપરાંત બાબુઓ દ્વારા નક્કી કરાયેલી રકમ ચૂકવાય તો જ કામ થાય છે. નહીં તો અરજદારને ધરમધક્કા ખાવાનો વારો આવે છે. ભુજ આરટીઓ કચેરીમાં અમુક સારા અધિકારીઓને પણ આ ભ્રષ્ટાચારના કારણે ભોગવવાનો વારો આવે છે.આરટીઓમાં અમુક અધિકારીઓ પોતાની કામગીરી ફોલ્ડરીયાઓ મારફતે જ કરાવે છેેે અને તમામ અધિકારીઓના ઉઘરાણાની જવાબદારી મામુના શીરે છે. દરરોજ સેંકડો અરજદારો અને વાહનો કચેરીમાં આવતા હોઈ કામ મુજબ પ્રત્યેક વાહન દીઠ રૂા.પ૦થી રૂા.૮૦૦નું ઉઘરાણું કરવામાં આવે છે. આ તમામ રકમ મામુ ઉપરાવે છે અને અધિકારીઓ સુધી પહોંચતી કરે છે. આ ઉઘરાણામાં મામુનો પણ ભાગ હોય છે.