ભુજ અને લખપતમાં વહેલી પરોઢે મેઘરાજાએ લટાર મારી

ભુજ : રાજ્યમાં બે દિવસ હવામાન ખાતાએ વરસાદ વરસવાની આગાહી કરી છે. જે અનુસંધાને આજે સવારથી જિલ્લાના અમુક ભાગોમાં વાતાવરણ પલટાયું હતું. સરહદી લખપત તાલુકા તેમજ ભુજમાં સવારના ભાગે ઝરમરીયા છાંટા વરસ્યા હતા. લખપત તાલુકામાં સવારે વાતાવરણ પલટાઈ જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ થયો હતો. તાલુકામાં પાનધ્રો, વર્માનગર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં થયા હતા. આ તરફ ભુજ શહેરના અમુક વિસ્તારોમાં સવારના ભાગે છાંટા વરસ્યા હતા. તાલુકાના માધાપર ગામે વાતાવરણમાં પલટા સાથે વરસાદ આવતા શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા.