ભુજ અને રામપર અબડામાં મારામારીના ત્રણ બનાવો

ભુજ એ અને બી ડિવિઝન પોલીસ તેમજ નલિયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : શહેરના આશાપુરા નગર તેમજ ભાનુશાલીનગરમાં મારામારીના બે બનાવો નોંધાયા હતા, તો અબડાસાના રામપર અબડામાં મારામારી થતા ત્રણ શખ્સો સામે નલિયા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરા નગરમાં થયેલી મારામારી અંગે હનીફ મામદ કુંભારે નવીન મહેશ્વરી, રાહુલ કોલી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ આરોપી નવીન મહેશ્વરી વિરૂદ્ધ અગાઉ પોલીસ કેસ કર્યો હતો, જેનું મનદુઃખ રાખી આરોપીઓએ બોલાચાલી કરી ભૂંડી ગાળો આપી લોખંડના પાઈપ વડે ફરિયાદીને માથામાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધાતા પીએસઆઈ વાય. પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. તો ભુજના ભાનુશાલીનગરમાં થયેલી મારામારી અંગે ફરિયાદી દિલીપભાઈ ભચુભાઈ ઠક્કરે રઘુવંશીનગરમાં રહેતા સંદીપ દયાળજી ઠક્કર અને તેના દિકરા દેવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી સંદિપ ઠક્કરે ફરિયાદી દિલીપ ઠક્કરને રોકીને કહ્યું હતું કે, તું હમણા બહુ ચડી ગયો છે. કોઈને દાદ પણ આપતો નથી. જો રઘુવંશી નગરમાં રહેવું હોય તો હું કહું એમ કરવું પડશે, નહીં તો સારૂં નહીં થાય. આમ કહી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને ભૂંડી ગાળો આપી, ધકબુશટનો માર મારી, માથાના વાળ ખેચી નીચે પટકાવી ઈજાઓ પહોંચાડી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ તરફ અબડાસાના રામપર અબડાના કોલીવાસમાં પણ મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં નલિયા પોલીસ મથકે હીરેન કાસુભાઈ આમદભાઈ કોલીએ આરોપી જાવેલઅલી વેણ, અલી વેણ અને અલીના ભાઈ વિરૂદ્ધ ગુનો નોધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને તેની પત્નિ તેમના ઘર પાસે રોડ પર બોલાચાલી કરતા હતા, તે દરમ્યાન આરોપીઓએ મોટર સાયકલ પર આવી ત્યાંથી નિકળતી વખતે ફરિયાદીની પત્નિ સામે જોતા હતા તે દરમ્યાન ફરિયાદીએ તેમને વચ્ચે ઉભા રહી જોવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ એક સંપ કરી બિભત્સ ગાળો આપી દંપતિને લાકડી વડે માર માર્યો હતો. બનાવને પગલે નલિયા પોલીસ મથકે ગુનો નોંધાતા આગળની તપાસ હાથ ધરાઈ છે.