ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુ અંગે કલેક્ટરનું વિધિવત જાહેરનામુ

રાત્રે 8થી સવારના 6 વાગ્યા દરમિયાન કર્ફ્યુનો ભંગ કરનાર સામે ભરાશે ફોજદારી પગલા

ભુજ : નોવેલ કોરોના વાયરસને ડબ્લ્યુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે. જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટની સુચનને ઘ્યાને લઇ ગુજરાત સરકારના હુકમને પગલે કોરોનાના સંક્રમણને અટકાવવા તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજયના ર૦ શહેરોમાં દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રિ કરફયુ અમલમાં મુકાયો છે. જેમાં કચ્છ જીલ્લાના ભુજ અને ગાંધીધામ શહેરનો સમાવેશ કરાયો છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અને ગુજરાત એપેડેમીક ડિસિઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબની સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે. જેમા કચ્છ જીલ્લાના ભુજ અને ગાંધીધઆમ શહેરમાં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રિના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યુનો હુકમ જારી કરાયો છે. આ જાહેરનામાને અનુસરીને ભુજ અને ગાંધીધામના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ. પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવુ નહિ. તો સમગ્ર કચ્છ જીલ્લામાં તારીખ ૧૦/૦૪/૨૦૨૧થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે, ખુલ્લી જગ્યામાં ૧૦૦થી વઘુ વ્યક્તિઓ એકઠી કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું જાહેરનામામાં જણાવાયુ છે. કર્ફ્યુના સમયના કલાકો દરમ્યાન ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ. સમગ્ર કચ્છ જિલ્લામાં તારીખ 0૭/0૪/૨૦૨૧થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજકીય, સામાજીક અને અન્ય મેળવડા ઉપર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર કચ્છ જીલ્લામાં કોઇપણ સ્થળે ગેધરીંગમાં ૫૦થી વધુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. આ ગેધરીંગમાં કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.

કલેક્ટર પ્રવિણા ડી.કે દ્વારા જાહેર કરવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અને ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.

જાહેરનામામાંથી કોને કોને મૂક્તિ

1 – જાહેર ઉપયોગિતા જેવી કે પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમીશન એકમ, ટેલિ કોમ્યુનિકેશન સર્વિસ, એનઆઇસી, પ્રારંભિક ચેતવણી એજન્સી

2 – પોલીસ, હોમગાર્ડ, મહેસુલી અઘિકારી-કર્મચારી, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળ, જેલો અને નગરપાલિકાની આવશ્યક સેવાઓ.

3 – જાહેર તથા ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઈ-કોમર્સ દ્વારા, ફાર્માસ્ચુટીકલ હોમ ડિલીવરી.

4 – દૂઘ વિતરણ

5 – ઈલેક્ટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયા (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત)

6 – ખાનગી સિક્યુરીટી સેવાઓ

7 – આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે.

8 – રેલવે પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ.

9 – રેલવે અને હવાઇ માર્ગ અને એસ.ટી.થી અવરજવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકિટ રજૂ કર્યેથી મંજુરી માટે ટેક્ષી તથા રીક્ષા/કેબ સેવાઓ ચાલુ રહેશે.

10 – રાત્રિ કર્ફ્યું દરમિયાન બહારગામથી લાંબી મુસાફરી કરી ભુજ શહેર અથવા ગાંધીધામ શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલટેક્ષ રીસીપ્ટ અથવા અન્ય પુરાવા રજુ કરવાના રહેશે.

11 – એટીએમ બેન્કિંગ ઓપરેશનના આઈટી વેન્ડરો સહિત એટીએમ વ્યવસ્થાપન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ.

12 – તમામ પ્રકારના માલસામાનનું પરિવહન

13 – સરકારી સેવાઓ માટેની માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર/ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી.

14 – ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને આઘિન અપવાદો.

15 – ભુજ શહેર અને ગાંધીધામમ શહેરમાં કંપનીઓના શિફ્ટિંગ ડ્યુટી વાળા કર્મચારીઓને લાવવા લઇ જવા આવતા કંપનીના વાહનો તથા તેમાં પ્રવાસકર્તા કર્મચારીઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ સંબંધિત કંપનીઓએ તેમના વાહનો અને તેમાં પ્રવાસ કરનાર કર્મચારીઓની વિગત પોલીસ કંન્ટ્રોલરૂમમાં આપવાની રહેશે.

16 – ઉપરોક્ત તમામ છુટછાટો સોશીયલ ડિસ્ટન્સીંગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝેશન વગેરે સંબંધમાં કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આપવામાં આવે છે.