ભુજ – અંજાર – ગાંધીધામ રોડ નધણિયાતો : ધારાસભ્યોની આંખે પાટા

ત્રણ શહેરોને સાંકળતા આ ધોરીમાર્ગમાં અસુવિધાઓની ભરમાર : ઠેર ઠેર બાવળિયા રોડ પર આવી ગયા : માર્ગો પર ખાડાઓની વણઝાર : રોડની સાઈડો અકસ્માત ઝોનમાં પરિવર્તિત : અકસ્માતના અનેક બનાવો બની ચુકયા પરંતુ રોડના સમારકામ માટે કોઈ હિલચાલ નહીં : ગાંધીધામથી અંજાર સુધીના માર્ગ હાલ જ બન્યો તો શેખપીરથી ભુજ સુધીનો રસ્તો ઠીકઠાક

ભુજ : સરહદી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો હોવાથી કનેક્ટિવિટી માટે રોડ રસ્તાઓ સંકલનરૂપ રહ્યા છે. જાે કે, છેલ્લા ઘણા સમયથી આંતરીક રસ્તાઓ તો ઠીક મુખ્ય ધોરીમાર્ગોની હાલત ઉત્તરોત્તર ખરાબ થઈ રહી છે, જેના પ્રતાપે માર્ગો પર અકસ્માતો વધ્યા છે. કચ્છના મુખ્ય ત્રણ શહેરોને સાંકળતા ભુજ – અંજાર – ગાંધીધામ રોડની હાલત પણ આવી છે. આ રોડ નધણિયાતો હોય તેમ દુર્દશામાં ધકેલાઈ ગયો છે. હાલ ગાંધીધામથી અંજારનો માર્ગ હાલ જ બન્યો અને શેખપીરથી ભુજ સુધીનો રસ્તો ઠીકઠાક જ કહેવાય તેમાં કેટલાક સમયથી થીંગડા લાગી રહ્યા છે. આ રસ્તાઓમાં સરકારી તંત્ર કેટલાક બીલ બનાવી ખર્ચા નાખી દીધા હશે તે તો તંત્ર જ જાણે.

આ અંગેની વિગતો મુજબ ભુજ એ કચ્છનું પાટનગર અને ગાંધીધામ આર્થિક પાટનગર છે. આ બન્ને શહેરોને અંજાર સાંકળે છે. ગાંધીધામથી ભુજ સુધીના માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર હોય છે. કોર્પોરેટ, રાજકીય, વહીવટી સરકારી સહિત તમામ કામો માટે આ રોડ મહત્વપૂર્ણ છે. જાે કે, છેલ્લા કેટલાક સમયથી આ રોડની દુર્દશા જોવા મળી રહી છે. ભુજથી શેખપીર સુધીના માર્ગ પર માધાપર હાઈવેમાં ઘણા સ્થળોએ એક સાઈડનો રસ્તો બેસી ગયો છે. ભુજાેડી ઓવરબ્રીજથી શેખપીર સુધીના માર્ગે ઠેર ઠેર ખાડા તેમજ મલબાના કારણે આ રોડ પરથી પસાર થવું માથાના દુઃખાવા રૂપ સાબિત થઈ રહ્યું છે. આ રસ્તામાં મહત્વનો ભુજાેડી પુલ વર્ષાેથી બની રહ્યું છે તે મોટી ધુરધશા જ કહેવાય. અધુરામાં આડેધડ જમ્પરો પણ જાેખમ સર્જી રહ્યા છે. શેખપરથી કુકમા થઈ રતનાલથી અંજાર કળશ સર્કલ સુધીના માર્ગ પર ઠેર ઠેર બાવળિયાઓ રોડ પર આવી ગયા છે. તેમજ ઘણા સ્થળોએ ડામર ઉખડી જતા ખાડાઓની ભરમાર જાેવા મળે છે. બાવળિયાઓ રોડ સુધી આવી જતા બે વાહનો બાજુમાંથી પસાર થાય તો કાંટા ગાડીમાં આવી જાય તેવી સ્થિતિ છે. અંજાર શહેરની શરૂઆત થતાની સાથે જ માર્ગ પર ખખડધજ બની જાય છે. અંજારથી આદિપુર થઈ ગાંધીધામ સુધીનો રોડ તાજેતરમાં બનતા ઠીકઠાક જાેવા મળે છે પરંતુ એકસપ્રેસ વેની સરખામણીએ આ રોડ શહેરના આંતરીક વિસ્તારો જેવો બની ગયો છે. ધોરીમાર્ગ પર ગાડી આવે તો વાહન સળસળાટ પાણીની જેમ દોડી જાય તેવા હોવા જાેઈએ પરંતુ અહીં વાહન હંકારવામાં તેવી સ્પીડ પણ આવતી નથી. અવારનવાર આ રસ્તા પર અકસ્માતની વણજાર સર્જાય છે. તો બીજીતરફ આ રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો પણ એવી વ્યથા ઠાલવી રહ્યા છે કે, છેલ્લે આ રસ્તો કયારે બન્યો હશે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજાર અને ભુજ કચ્છના રાજકારણના મોટા સેન્ટર છે. બન્ને શહેરોના મુખ્ય પ્રતિનિધિઓ પણ સત્તાપક્ષના છે. આ રોડ પર તેઓ પણ અવરજવર કરે છે. પરંતુ તેમની સરકારી મોંઘીદાટ અને એસીવાડી ગાડીમાં રોડના ખાડા અને બાવળિયા દેખાતા નહીં હોય અથવા તો તેઓ ખુદ આંખે પાટા બાંધીને રોડ પરથી પસાર થતા હોય તેમ આ મુદ્દે કદી અવાજ ઉપાડયો નથી. મોટા ઉપાળે વિવિધ જાહેરાતો અને ગ્રાન્ટોની વાહવાહી કરતા ભાજપના વર્ષોથી ચૂંટાયેલા નેતા ભુજ – અંજાર – ગાંધીધામનો મહત્વનો રોડ પણ નવો બનાવી શક્યા નથી. ધારાસભ્યો માત્ર તાળીઓ વગાડવા અને રીબીન કાપવા અને ગાંધીનગરની જીહજુરી સાથે ભુજની સરકારી કચેરીમાં એસીની હવા ખાવામાં વ્યસ્ત છે. કયારેક એસી વગરની ગાડી અને ટુ વ્હીલર પર આ માર્ગ પર મુસાફરી કરી દેખાડે તો જ રોડની વાસ્તવિકતાને તેઓ સમજી શકશે તેવો ટોણો અહીંથી રોજ પસાર થતા વાહન ચાલકો મારી રહ્યા છે. તો જેના શીરે આ જવાબદારી છે તે માર્ગ અને મકાન વિભાગ માત્ર અગરબતી કરવા માટે જ હોય તેમ એક – બીજા પર ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે.