ભુજિયા ડુંગરે ફોટોગ્રાફી માટે ગયેલા યુવાનો સાથે લૂંટ કરાતા ચકચાર

બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ છરી બતાવી એક યુવાનને છરીના ઘા ઝિંકી ૪૦ હજારનો કેમેરો લૂંટીને થયા ફરાર

ભુજ : ભુજિયા તળેટીએ અને રિંગરોડ પર અવાર-નવાર લૂંટ-ચોરીના બનાવો બનતા હોય છે. તેવામાં ગઈકાલે ભુજિયા તળેટીએ ફોટોગ્રાફી માટે ગયેલા બે યુવાનો સાથે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઝપાઝપી કરી છરી બતાવી ધમકી આપી છરીનો ઘા મારીને ૪૦ હજારના કેમેરાની લૂંટ ચલાવી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે માધાપરના નવાવાસમાં રહેતા કાસમભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચીએ સિલ્વર કલરની બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેનો મિત્ર અફઝલ ફોટોગ્રાફી કરવા માટે ભુજિયા ડુંગરની તળેટીએ ગયા હતા. ફોટોગ્રાફી કરીને પરત ફરતા હતા ત્યારે ભુજિયા ડુંગરની અંદર શિવમંદીરની પાછળ ગેટ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને તેના મિત્રને છરી બતાવીને ધાકધમકી  કરી હતી. આરોપીઓએ અફઝલના પેટના ભાગે છરી મારવાનો પ્રયાસ કરતા અફઝલે બચાવમાં હાથથી છરી પકડી લેતા તેના અંગુઠાના ભાગે છરી વડે ઈજાઓ પહોંચી હતી. આમ, આરોપીઓએ ઝપાઝપી કરી બન્ને મિત્રો પાસે રહેલ રૂા.૪૦ હજારના કેમેરાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવને પગલે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ એમ.આર. મહેશ્વરીએ આગળની તપાસ હાથ ધરી છે.