ભુજમાં હાથ ઉછીના પૈસા બાબતે બે જુથો વચ્ચે મારામારી

ભુજ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે સામ સામે ફરિયાદ

ભુજ : શહેરના સુરલભીટ્ટ રોડ પર આવેલી ટાયર પંચરની દુકાન સામે બે જુથો વચ્ચે ઉછીના અપાયેલા નાણા પરત લેવા બાબતે થયેલી બબાલમાં સામ સામે મારામારી થઈ હતી. જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. ભુજ બી ડિવિઝન પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સાજીદ મામદ મેમણે આરોપી કમલેશ રમેશભાઈ અને સલીમ વીરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પિતરાઈ ભાઈ અનિષ ઈસ્માઈલે આરોપી કમલેશ પાસેથી હાથ ઉછીના રૂપિયા ૧૦ હજાર લીધા હતા, જેથી આરોપી પૈસા લેવા માટે આવ્યો હતો. ત્યારે સાહેદ અલ્તાફ અને અનિષ પાસે પૈસા ન હોવાથી પૈસા આવે આપી દેવામાં આવશે તેવું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ભુંડી ગાળો આપી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પગલે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. તો સામા પક્ષે કમલેશ રમેશ આસડ (મારવાડા)એ આરોપી સાજીદ ઉર્ફે ભુરો મેમણ, અલ્તાફ મેમણ, અનિષ મેમણ, મામદ મેમણ વિરૂદ્ધ એટ્રોસિટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. આરોપી અનિષે ફરિયાદી પાસેથી કુટુંબમાં કોઈ બિમાર હોવાનું જણાવી હાથ ઉછીના નાણા લીધા હતા, જે ફરિયાદીને પોતાના છકડો રીક્ષાનો હપ્તો ભરવા માટે જરૂરીયાત હોતા આપવાનું કહ્યું હતું, ત્યારે આરોપીઓએ પૈસા આપવાની ના પાડી હતી અને ભુંડી ગાળો આપી ફરિયાદી અને સાહેદને હાથ પગ વડે મુઢ માર માર્યો હતો. અને ફરી વાર પૈસાની માંગણી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાતા એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.