ભુજમાં વિરાંગના સ્કવોડને પ.કચ્છ પોલીસવડાએ આપી લીલીઝંડી

મહિલાઓ તેમજ સીનીયર સીટીઝનને આ સ્પેશ્યલ સ્કવોડ થશે મદદરૂપ : મીશન ખાખી કાર્યક્રમનું પણ કરાયું આયોજન

ભુજ : ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, મદદનીશ સબ ઈન્સ્પેકટરની જાહેરાત હાલમાં પ્રસિધ્ધ થયેલ છે. આ પરીક્ષા સંદર્ભે તૈયારી કરી રહેલ કચ્છની દિકરીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ.કચ્છ પોલીસવડા સૌરભસિંઘના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે મીશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ ભુજના પોલીસ તાલીમ ભવન ખાતે પ.કચ્છ પોલીસ વિભાગ તેમજ મહિલા અને બાળક વિકાસ કચેરી દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ.કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફીસર અને મદદનીશ સબ ઈન્સ્પેકટરોની ભરતી પ્રક્રિયા થવાની છે. કચ્છની દિકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી અર્થે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે મીશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ્લ ર૦૦ દિકરીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન માટે પ૦ દિકરીઓને કાર્યક્રમમાં હાજર રખાઈ હતી, જ્યારે બાકીનીઓને ફેસબુક લાઈવના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, ભુજ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે વિરાંગના સ્કવોડ બનાવાઈ હોઈ તેનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ સ્કવોડ સીનીયર સીટીઝનોને પણ મદદ કરશે. સ્કવોડની સાથે ૧૮૧ નો સ્ટાફ પણ મદદમાં રહેશે.