ભુજમાં રૈન બસૈરા ખાતે ૩૦ માનસિક અસ્થિર અને ઘરવિહોણા લોકોનું રસીકરણ કરાયું

ભુજમાં વેકિસનેશન અભિયાન અંતર્ગત શ્રી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત રૈન બસેરામાં માનસિક અસ્થિર તેમજ ઘરવિહોણા ૩૦ જેટલા લોકો તેમજ ૪ કર્મચારી મળી કુલ ૩૪ લોકોને કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આપણે ત્યાં એક કહેવત છે કે જેનું કોઇ નથી હોતું તેનો ભગવાન હોય છે પણ આપણું આરોગ્ય વિભાગ આવા નિરાધાર લોકોની પણ સારસંભાળ રાખે છે તેના ઉદાહરણ સ્વરૂપે ભુજમાં રૈન બસૈરા ખાતે છઠ્ઠીબારી સ્થિત અર્બન હેલ્થ સેન્ટરના માનવીય અભિગમ હેઠળ ૩ સ્ત્રી, ૨૭ પુરૂષ તેમજ ૪ કર્મચારીઓને વેકિસન આપવામાં આવી હતી.

આ પ્રસંગે રૈન બસૈરાના ટ્રસ્ટીશ્રી હેમેન્દ્ર જણસારી તેમજ હર્ષાબેન સુથાર હાજર રહીને વેકિસન લેતા માનસિક અસ્થિર લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ વેકિસનેશન કેમ્પ અર્બન હેલ્થ સેન્ટરના ડો.નીનાદ ગોરના માર્ગદર્શન હેઠળ ડો.યશ્વી ચૌધરીની દેખરેખ હેઠળ યોજાયો હતો જેમાં સુપરવાઈઝર તરીકે હિનાબેન ઠકકર અને અવની વાળંદે સેવા આપી હતી.