ભુજમાં રેલવે ક્રોસીંગ પાસેના કાચા-પાકા દબાણો તોડી પડાયા

રેલવે તેમજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ કામગીરીમાં જોડાયો : વગર નોટીસે દબાણો દૂર કરાયા હોવાનો રહેવાસીઓએ કર્યો આક્ષેપ

ભુજ : જિલ્લા મથક ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં દબાણકારો બેફામ બન્યા હોઈ કિંમતી સરકારી જમીનો પર આડેધડ કબજા કરી કાચા – પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સરકારી જમીનો મુકત કરાવવા માટે વહીવટી તંત્ર તેમજ સબંધીત વિભાગો દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતી હોય છે ત્યારે આજરોજ ભુજના રેલવે ક્રોસીંગ પાસે આવેલી રેલવેની જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી સવારથી હાથ ધરાઈ હતી. આ અંગેની વિગતો મુજબ ભુજના રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવેની જમીનો પર લાંબા સમયથી કાચા – પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ૧પ૦ જેટલા મકાનોમાં ૬૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. આજ સવારથી રેલવે વિભાગના અધિકારીઓ, રેલવે પોલીસ તેમજ ભુજ બી ડિવિઝન પોલીસના કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. રેલવે દ્વારા વગર નોટીસે દબાણ દૂર કરાયા હોવાનો સ્થાનીકો દ્વારા આક્ષેપ પણ કરાયો હતો. જો કે રેલવેના જવાબદારોએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. કામગીરીના પગલે સ્થાનીકે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રીત થઈ ગયા હતા. રેલવેની દબાણ હટાવની ઝુંબેશને પગલે દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.