ભુજમાં મહિલાને વિશ્વાસમાં ૪૦ હજાર ધૂતી લેવાયા

પીવા માટે પાણી માંગી પોતે માતાજી હોવાનું જણાવી ધૂતારી મહિલાએ રોકડ અને દાગીના તફડાવી લીધા

ભુજ : શહેરના ભાનુશાલી નગરમાં આવેલ સરકારી વસાહતમાં રહેતી મહિલાનું વશીકરણ કરી એક ધૂતારી મહિલાએ ૪૦ હજારની વિશ્વાસઘાત – ઠગાઈ આચરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ ઢબુબેન અજમલભાઈ ઠાકોર (ઉ.વ.૩૦) નામની મહિલાએ ૩૦ થી ૩ર વર્ષિય અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ધુતારી મહિલાએ ફરિયાદી મહિલાના ઘેર આવીને પીવા માટે પાણી માંગ્યું હતું. ભોગગ્રસ્ત મહિલાએ પાણી આપતા તે પાણી ધુતારી મહિલાએ અડધું પીધું હતું અને વધેલું પાણી ફરિયાદીને પરત આપી પોતે માતાજી હોવાનું જણાવી તે પાણી પી જવાથી તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે તેવું જણાવ્યું હતું. આ રીતે ફરિયાદીનું વશીકરણ કરી વિશ્વાસમાં લઈ તેની કાનની બુટી અને સાંકળાની બે જાેડ મળી રૂપિયા ર૮ હજાર તેમજ રોકડ રૂા. ૧ર હજાર મળીને કુલ્લ ૪૦ હજારનો મુદ્દામાલ પડાવી લઈ ધૂતારી મહિલા નાસી ગઈ હતી. બાદમાં વિશ્વાસઘાત – ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેને પગલે પીએસઆઈ વી. આર. ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે.