ભુજમાં બેકાબુ ટ્રકે બાઈક-જીપ-નાસતાની ૩ લારી ઉડાળી : એકનું મોત

એરપોર્ટ રીંગ રોડ પર સહયોગનગર પાસે સર્જાયો જીવલેણ અકસ્માત

ભુજ : શહેરના એરપોર્ટ રીંગ રોડ પર સહયોગનગર નજીક એકતા સુપર માર્કેટની સામે બેકાબુ બનેલી ટ્રકે ત્રીપલ અકસ્માત સજ્ર્યો હતો. હીલગાર્ડન તરફથી એરપોર્ટ તરફ જતી બેકાબુ બનેલી ટ્રકે બાઈક, પીકઅપ જીપ અને નાસતાની ત્રણ લારીઓને ટક્કર મારી હતી. બનાવમાં બાઈક સવાર યુવાન ટ્રકના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ એરપોર્ટ રીંગ રોડ પર હીલગાર્ડનથી એરપોર્ટ તરફ આવતી ટ્રક એકતા સુપર માર્કેટ સામે ઢોળાણ વાળા માર્ગ પર બેકાબુ બની હતી. ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા ટ્રકે ચોકડી પાસે જ એક બાઈક, પીકઅપ જીપ અને નાસતાની ત્રણ લારીઓને ટક્કર મારી હતી. આ ગમખ્વાર બનાવમાં બાઈક સવાર લાલુભા જીતુભા વાઘેલા (ઉ.વ.૪૪)નું મોત નિપજયું હોવાનું ભુજ શહેર એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું. ગોજારા અકસ્માતમાં બાઈક ટ્રકના  ટાયર નીચે આવી ગઈ હતી, જેમાં હતભાગીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ માથાના ભાગે ગ્ંભીર ઈજાઓ પહોંચતા સારવાર નશીબ થાય તે પૂર્વે જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે ધસી જઈ પંચનામું કરવા સહિત મૃતકનું પીએમ કરાવવા સહિત વિધિવત ગુનો નોંધવા આગળની તપાસ હાથ ધરી છે.