ભુજમાં બીયરની મહેફીલ માણતા ચાર દબોચાયા

રાપરના ભીમાસરમાંથી ૧૦ હજારનો શરાબ ઝડપાયો, આરોપી ફરાર : માંડવીના મોટા ભાડિયામાં પણ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

ભુજ : રાજયમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર લાખોનો દારૂ ઝડપાય છે તો છૂટા છવાયા બોટલ લઈને ફરતા બુટલેગરો પણ અવારનવાર પોલીસને જપ્ટે ચડે છે. તો દારૂની મહેફીલ માણતા શખ્સો પણ પોલીસના હાથે ચડતા હોય છે, તેવામાં ભુજમાં બીયરની મહેફીલ માણતા ચાર શખ્સોની ધરપકડ કરાઈ હતી. તો રાપર તાલુકાના ભીમાસર અને માંડવીના મોટા ભાડિયામાંથી પોલીસે શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

ભુજની ભાગોેળે એકતા સુપર માર્કેટ ચોકડી પાસે હનુમાન મંદિરની બાજુમાં આવેલી ચાની કીટલી પાસે બીયરના ટીન ખોલીને મહેફીલ માણતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ભુજ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં દરોડો પાડીને જાહેરમાં ઓટલા પર બીયરની મહેફીલ માણતા નબીરાઓને દબોચ્યા હતા. જેમાં સંસ્કારનગર ભુજમાં રહેતા જયદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, સહયોગનગરમાં રહેતા પ્રભાતસિંહ ઈંદુભા રાણા, વાલરામનગર-રમાં રહેતા રાજ હરેશભાઈ આચાર્ય અને સર્જન કાસા સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ મયુરસિંહ રાણાને ઝડપી પાડયા હતા. આરોપીઓના કબજામાંથી એક બીયરનું ટીન તેમજ ત્રણ ખાલી ટીન કબજે કરાયા હતા. કોવિડ – ૧૯ ની ગાઈડલાઈનનો ભંગ કરી આરોપીઓ દારૂની મહેફીલ માણતા તેને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા એએસઆઈ કે. બી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

તો આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભીમાસરમાંથી આરોપી દેવા રાઘુ કોલીના કબજાનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ ગેરકાયદેસર રીતે ૧૮૦ એમએલના ૧૦૦ નંગ કવાટરીયા કિંમત રૂા. ૧૦ હજારનો પ્રોહી મુદ્દામાલ પોતાના કબજામાં રાખતા પોલીસે દરોડો પાડીને દારૂ ઝડપી પાડયો હતો, જયારે આરોપી હાજર ન મળતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો માંડવી તાલુકાના મોટા ભાડિયામાંથી આરોપી શામળા ભીમશી ગઢવીને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપી પાડયો હતો. આરોપી શામળા ગઢવીને નાની ખાખરના હરપાલસિંહ જાડેજાએ દારૂની બોટલ આપી હતી. રેડ દરમ્યાન આરોપી હરપાલસિંહ હાજર ન મળતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.