ભુજમાં ફાર્માસિસ્ટ વગર ધમધમતા વધુ એક મેડિકલ સ્ટોર પર તંત્રની તવાઈ

ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેંચાણ થતા પ્રમુખ મેડિકલ્સના શટર ડાઉન કરાયા

ભુજ : શહેરમાં કોરોના મહામારી દરમ્યાન ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી લૂંટફાટ કરતી હોવાના કિસ્સાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. કાર્યવાહીના ભાગરૂપે ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોર પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે, જેમાં આજે ફાર્માસીસ્ટ વગર ધમધમતા વધુ એક મેડિકલ સ્ટોરને બંધ કરાવાયો હતો.

આ અંગેની વિગતો મુજબ ભુજમાં ઘણા સ્થળોએ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે, જે અન્વયે ડ્રગ વિભાગ દ્વારા ફરિયાદના આધારે તપાસ કરી મેડિકલ સંચાલકોને નોટીસ આપી સ્ટોર બંધ કરાવવામાં આવ્યા છે. આજે સવારે ભુજના હોસ્પિટલ રોડ પર જી.કે. જનરલની સામે આવેલ પ્રમુખ મેડિકલમાં તંત્ર દ્વારા તપાસ કરાઈ હતી. તપાસ દરમ્યાન ફાર્માસીસ્ટ ગેરહાજર જણાયા હતા, જેથી દવાઓનું ખરીદ – વેંચાણ બંધ કરાવાયું હતું. ડ્રગ વિભાગના તેજલ મહેતાએ કહ્યું કે, આ મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટની હાજરી વીના દવાઓનું ખરીદ વેચાણ થતું હોવાનું ચેકીંગમાં સામે આવ્યું છે. જેથી મેડિકલ સંચાલકને ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓ કઈ રીતે વેંચાણ કરો છો ? તે માટે નોટીસ અપાઈ છે. મેડિકલમાં ફાર્માસીસ્ટનું પ્રમાણપત્ર અને લાયસન્સ સહિતના આધાર – પુરાવા મેડિકલ સંચાલક દ્વારા રજૂ કરાયા હતા. જાે કે ફાર્માસીસ્ટ ગેરહાજર હોતા કાર્યવાહી કરાઈ હતી.

નોંધનીય છે કે, તંત્રની તપાસ બાદ મેડિકલના સંચાલકે જાતે જ શટર ડાઉન કરી નાખ્યા હતા. થોડા દિવસ પૂર્વે ડો. સચીન ઠક્કરની હોસ્પિટલમાં આવેલી મેડિકલમાં પણ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેંચાણ થતો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યા બાદ મેડિકલ સ્ટોરને બંધ કરાવાયો હતો. જાે કે મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ હાજર થઈ જતા ફરી એ સ્ટોર શરૂ થઈ ગયો છે.