ભુજમાં પીતળના બનાવટી બિસ્કિટ તેમજ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

નકલી નોટમાં અગાઉ ઝડપાયેલ શખ્સ અને સસ્પેન્ડેડ પોલીસ કર્મીને ઝડપી પડાયો : પશ્ચિમ કચ્છ એસઓજીએ પેટ્રોલિંગ દરમિયાન રિલાયન્સ સર્કલ નજીકથી આરોપીઓને ઝડપી પાડ્યા

(ક્રાઈમ પ્રતિધિનિ)ભુજ : હાલ સસ્તા સોનાની લાલચે ચિટિંગના બનાવો વધ્યા છે તેની વચ્ચે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પીતળ જેવી પીળી ધાતુના બનાવટી બિસ્કિટ તેમજ વિદેશી શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં નખત્રાણાના કોટડા (જડોદર)નો એક શખ્સ અગાઉ નકલી નોટમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તો તેની સાથેનો શખ્સ અગાઉ પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થયેલો છે. બન્ને આરોપીઓ નકલી સોનાના નામે ચિટિંગ કરવાની ફીરાકમાં હોવાની બાતમીના આધારે રિલાયન્સ સર્કલ નજીક આવેલ ખેતલા આપ્પા ટી સ્ટોલ નજીકથી એસઓજીએ ઝડપી પાડી ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાને પગલે તેમજ એસઓજી પીઆઈ એ.આર.ઝાલા માર્ગદર્શન તળે એસઓજીની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે પોલીસની ટીમે વર્કઆઉટ કરી રિલાયન્સ સર્કલ નજીકથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી અમીત અમૃતલાલ સોની (રહે. કોટડા જ.) અને ભુજના જાંબુડીના રામજી વાલજી મારવાડાની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબજામાંથી પોલીસે પીતળ જેવી પીળી ધાતુના બિસ્કિટ તેમજ રૂા.રપ,ર૦૦ની કિંમતની ૭ર નંગ દારૂની બોટલ કબજે કરી હતી. આરોપીઓ નકલી સોનાના નામે ચિટિંગ કરવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે એસઓજીએ બન્ને શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી નખત્રાણાના કોટડા (જડોદર)નો અમીત સોની નામનો શખ્સ અગાઉ નકલી નોટના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તો જાંબુડીનો આરોપી રામજી મારવાડા અગાઉ પોલીસમાં ફરજ બજાવતો હતો જેને સસ્પેન્ડ કરાયો હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.