ભુજમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન મહિલા પોલીસ કર્મીઓ દ્વારા પણ પેટ્રોલિંગ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાનો નવો ટ્રેન્ડ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ થતા કચ્છમાં ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી શરૂ થઈ ગઈ છે. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગી જાય છે. ત્યારે રાત્રિ દરમિયાન ભુજના માર્ગો સુમસાન ભાસી રહ્યા છે. મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અને કારણ વિના ઘરની બહાર નિકળતા લોકોને સમજાવીને પરત મોકલવામાં આવે છે. નાઈટ કર્ફ્યુ દરમિયાન ભુજમાં મહિલા પોલીસ કર્મીઓ પણ બુલેટ મારફતે પેટ્રોલિંગ કરી પોતાની જવાબદારી અદા કરે છે. તો ઠેર ઠેર ચાર રસ્તા અને મુખ્ય પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ સહિત ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફના જવાનો તૈનાત કરાયા છે. નાઈટ કર્ફ્યુ દરમિયાન કારણ વિના બહાર ફરતા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે પોલીસે થોડું ઢીલુ વલણ અપનાવ્યું હતું. 8 વાગ્યા બાદ અનેક લોકો જાહેર માર્ગો પર ફરતા જોવા મળ્યા હતા. પરંતુ નાઈટ કર્ફ્યુના પ્રથમ દિવસે પોલીસે લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ન હતી. પરંતુ હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.