ભુજમાં ધોળા દિવસે થયેલી લૂંટની ઘટનાનો ઉકેલાયો ભેદ : એકની ધરપકડ

0
24

ભત્રીજીએ તેના પ્રેમી સાથે મળીને લૂંટ ચલાવવાનું ઘડ્યું હતું આયોજન

ભુજ : જિલ્લામાં ચોરી લૂંટના બનાવો બેજીજક બની રહ્યા છે. અસમાજિક તત્વો જાણે કાયદાને પડકાર ફેંકતા હોય તેમ દિનદહાડે ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યા છે. તેવામાં ભુજની ઓરિયેન્ટ કોલોનીની પાછળ આવેલ ઈન્દિરાનગરીના એક રહેણાંક મકાનમાં દિનદહાડે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટ ચલાવનારને પોલીસે 48 કલાકમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવા સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દિરાનગરીમાં રહેતા મહેન્દ્રસિંઘ જાગીરસિંઘના રહેણાંક મકાનમાં બે દિવસ પૂર્વે લૂંટનો બનાવ બન્યો હતો. મહેન્દ્રસિંઘના પત્નિ કલવંતકૌર બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકલા હતા, તે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને મહિલા સાથે જપાજપી કરીને તેના ગળામાં પહેરેલી દોઢ તોલા સોનાની ચેઈન અને કાનની એક રિંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ, એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભુજ બી ડિવિઝનના એએસઆઈ પંકજ કુશ્વાહાને મળેલી બાતમીને પગલે લૂંટના બનાવમાં માધાપર જૂનાવાસની જડીયા સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરતા 20 વર્ષિય ગુરનામસિંઘ કરમજીતસિંઘ સરદાર દબોચી લેવાયો છે. આરોપીએ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે કુલવંત કૌરની પડોશમાં રહેતી તેની ભત્રીજી સાથે તેને પ્રેમસંબંધ છે. ભોગગ્રસ્તની ભત્રીજીને નાણાંની જરૂરત ઊભી થતાં તેને આરોપીને એટલે કે તેના પ્રેમીને પોતાની જ કાકીના ઘરેણા લૂંટવાનું જણાવ્યું હતું. અને બપોરે કાકા ઘરેથી જમીને નીકળે ત્યારબાદ કાકી ઘરે એકલાં હોય ત્યારે લૂંટ કરવાનું આયોજન ઘડ્યું હતું. ગુનામાં ગુરનામે શાળાના જૂના સહાધ્યાયી અને ભુજની રાવલવાડીમાં રહેતાં તરુણ વયના મિત્રને સાગરીત બનાવ્યો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો ત્યારે પોલીસે બનાવનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે. પીઆઈ આર.ડી.ગોજીયાએ જણાવ્યું હતું કે ગુનામાં પ્રેમિકાને આરોપી તરીકે ઉમેરી તેની ધરપકડ કરવાની તેમજ વેચાયેલો મુદ્દામાલ રીકવર કરવાની પ્રક્રિયા ચાલું છે. બનાવ અંગે આગળની તપાસ પીએસઆઈ વી.આર.ઉલ્વા ચલાવી રહ્યા છે.