ભુજમાં ઓક્સિજન સાથે રરર બેડ ખાલી હોવાના જિલ્લા પંચાયતના દાવા પોકળ

લોકોના રોષનું ભોગ ન બનવું પડે તે માટે નેતાઓએ ફિલ્ડમાં જવાનું ટાળ્યું

એકમાત્ર મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલ હાઉસફૂલ : ગડા પાટીયામાં ઓક્સિજનની
સેવા જ નથી : સમરસ હોસ્ટેલમાં પણ જગ્યા નથી : આરોગ્ય સેવાઓ ગઈ ખાડે

જીવ બચાવવા માટે આગેવાનો મોડી રાત્રે ડીડીઓ સહિતના અધિકારીના ઘરે પહોંચ્યા અને ઘરની બહાર ધરણા કરી વિરોધ નોંધાવ્યો

ભુજ : કચ્છમાં કોરોના વાયરસની પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. લોકોને ઓક્સિજન મળતા નથી. તેવામાં આરોગ્ય સેવા મેળવવા માટે લોકો લાચાર બન્યા છે. કચ્છીઓ હવે ભગવાન ભરોશે જીવી રહ્યા છે. કારણ કે, સરકારી હોસ્પિટલો તો ફુલ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા મળતી નથી. તંત્રના દાવા વચ્ચે ક્યાંય ઓક્સિજનની પથારી ન મળતા કટોકટીભરી સ્થિતિ આ જિલ્લામાં સર્જાઈ છે. આ અંગેની વાત કરીએ તો જી.કે. જનરલ હોસ્પિટલમાં ૪૦૦ બેડની સવલત છે. જેમાં રર૮ બેડ ઓક્સિજનના છે. જોકે, તમામ દર્દીઓથી બેડ ભરાઈ જતા નવા દર્દી લેવાની પ્રક્રિયા સ્થગીત કરી દેવાઈ હતી. ગત રાત્રે હોસ્પિટલના બન્ને ગેટ બંધ કરી પોસ્ટર લગાવી દેવાયા હતા. જેમાં જણાવાયું કે, હોસ્પિટલમાં જગ્યા નથી. હાઉસફુલ છે જેના કારણે દર્દીઓના સ્વજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ૧૦૮ દર્દીને લઈને આવેલા સ્વજનો પણ ચિંતાતુર બન્યા હતા. કારણ કે, ક્યાંય જગ્યા ન મળતા ભુજની આશા લઈને તેઓ આવ્યા, પરંતુ હાઉસફુલના પાટીયા જોઈ હવે ક્યાં જવું તેની વિમાસણમાં મુકાઈ ગયા હતા. મોડી રાત્રે હોસ્પિટલના દ્વાર બંધ થઈ જતા સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસથી મામલો શાંત ન પડતા પોલીસ વડા સૌરભસિંઘ પણ દોડી આવ્યા હતા. લોકોને સમજાવ્યા હતા, પરંતુ દર્દીને દાખલ કરવામાં હોસ્પિટલે હાથ અધર કરી નાખતા કોઈનો જીવ બચાવવા માટે આગેવાનો રાત્રે જ ડીડીઓના ઘરે પહોંચ્યા હતા. રાત્રિના ૧થી ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં ડીડીઓના ઘરની બહાર ધરણા પણ કરવામાં આવ્યા હતા. રાજકારણીને ફોન કરવા છતાં કોઈએ ફોન રિસિવ ન કર્યો હતો. ડીડીઓના ઘર પાસે ડીવાયએસપી પંચાલ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી તરફ આજે સવારે હોસ્પિટલના ગેટ ખુલ્યા, પરંતુ બેડ જ નથી. હોસ્પિટલમાં બેડ અવેલેબલના પોસ્ટરમાં સંખ્યા શૂન્ય બતાવાઈ હતી. લોકોના વિરોધને પહોંચી વળવા પોલીસની એક ટીમ હોસ્પિટલમાં હાજર રખાઈ છે. ઉપરાંત અન્ય પોલીસવેન એક એક કલાકે ચક્કર લગાવે છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના થપ્પા જોવા મળ્યા હતા. બીજી તરફ સમરસ છાત્રાલયમાં ઓક્સિજન સાથે સુવિધા ઊભી કરાઈ છે, પરંતુ અહીં પ૦ બેડ ફુલ હોવાથી પરિસ્થિતિ એકદમ વિકટ બની છે. ગડા પાટીયા કોવિડ કેર સેન્ટરમાં તપાસ કરતા ઓક્સિજનની સવલત ન હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ અહીં ઓક્સિજન પાથરવાની વાતો હતી, પરંતુ સ્ટોક ન મળતા સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી. એકતરફ ભુજની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનના બેડ ખાલી નથી તેવામાં જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં એવો દાવો કરાયો છે કે, ભુજમાં ઓક્સિજન સાથે રરર બેડ સરકારી હોસ્પિટલમાં ખાલી છે. ત્યારે આ વાત સામે લોકોમાં અત્યંત નારાજગી જોવા મળી રહી છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને પડતી હાલાકીને લઈ સરકારી યાદી જોઈ. સ્વજનો આમથી તેમ ભટકે છે, પરંતુ ક્યાંય જગ્યા મળતી નથી તે વાસ્તવિક્તા છે.

એસી ચેમ્બરોમાં મીટિંગ યોજી લોકડાઉન લગાવતા રાજકારણીઓને લોકોની તકલીફ દેખાતી નથી

ભુજ : હાલમાં કટોકટીભરી સ્થિતિ વચ્ચે લોકો સરકારની નિષ્ફળતાના કારણે વિવસ અને લાચાર બની જતા લોકો સરકારને કોસી રહ્યા છે. આવા સમયે કચ્છના ચૂંટાયેલા તમામ નેતાઓ પોતાની લાપરવાહી છુપાવવા માટે જનતા સમક્ષ જવાનું ટાળી રહ્યા છે. તેઓ જાણે છે કે, જો તેઓ લોકોની વચ્ચે જશે તો લોકો સવાલોથી ઘેરી લેશે. અમુક લોકો તો એટલી હદે નેતાઓથી ત્રસ્ત બન્યા છે કે, કાંઈક અજુગતુ પણ કરી નાખે. જેથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર એસી ઓફિસમાં મીટિંગ કરી મુલાકાતના નામે ફોટા પડાવી સંતોષ માની લે છે, પરંતુ દર્દીઓના સગાની વચ્ચે જતા નથી. હકીકતમાં બેઠકોના બદલે તેમણે દર્દીઓને ઓક્સિજન અને વેન્ટીલેટર મળી રહે તે માટે દોડધામ કરવી જોઈએ.

મોડી રાત્રે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુબાપા જી.કે.માં દોડ્યા

ભુજ : ગઈકાલે રાત્રે ભુજની કોવિડ હોસ્પિટલ જી.કે.જનરલ ફુલ થઈ જતા નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરાયું હતું. જેથી લોકો પરેશાન બનતા મોડી રાત્રે બે વાગ્યે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ જી.કે. જનરલમાં પહોંચ્યા હતા અને તબીબો સાથે વાત કરી હતી. જે દર્દીઓની સ્થિતિ સારી છે તેઓને અન્યત્ર સીફટ કરી ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું હતું. કેશુભાઈ પટેલે મોડી રાત્રે પ્રજા માટે ચિંતા સેવી પોતાની જવાબદારી નિભાવી હતી.