ભુજમાં એટીએમમાં તોડફોડ કરી તસ્કરી

  • આંશીક લોકડાઉન અને રાત્રિ કર્ફયુ વચ્ચે અનમ રીંગરોડ પર બન્યો બનાવ
  • એટીએમની કેબીનમાં અંદાજે એક લાખનું નુકશાન પહોંચાડી રપ હજારની રોકડ તફડાવાઈ : એટીએમના સીસીટીવી બંધ હાલતમાં હોતા તપાસ કેમ કરવી?

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : શહેરના અનમ રીંગરોડ પર આવેલા યુનિયન બેંકના એટીએમની કેબીનમાં તોડફોડ કરીને મશીનમાંથી રૂા. રપ હજારની તસ્કરી થયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. જો કે, ગંભીર બાબત એ પણ જાણવા મળી છે કે, બેંકના એટીએમમાં સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધાતા તપાસ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સાધુ વાસવાણી વિસ્તારમાં રહેતા બેંકના અધિકારી સંજયભાઈ વિનોદભાઈ રાજપુરાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે, ભુજના અનમ રીંગરોડ પર આવેલા યુનીયન બેંકના એટીએમમાં કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરીને એટીએમમાં તોડફોડ કરી હતી. કેબીન અને મશીનમાં તોડફોડ કરીને અંદાજે રૂા. એક લાખનું નુકશાન કરવામાં આવ્યું હતું. તેમજ એટીએમમાં રખાયેલી રકમ પૈકી રપ હજારની તસ્કરી કરવામાં આવી હોવાનું તપાસનીશ પીએસઆઈ વી. એસ. ચૌહાણે જણાવ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે સુત્રોનું માનીએ તો બેંકના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા, ત્યારે પોલીસ કયા આધારે અને કઈ રીતે તે યક્ષ પ્રશ્ન ખડો થયો છે. હાલ જિલ્લા મથક ભુજમાં મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુનો માહોલ છે. અનમ રીંગરોડ આમ તો ધમધમતો વિસ્તાર છે, પરંતુ વર્તમાન સ્થિતિને કારણે આ વિસ્તાર સુમસાન ભાસી રહ્યો છે. ઉપરથી બેંકના એટીએમના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોતા તસ્કરોએ આવી તકનો લાભ લઈને એટીએમમાં તોડફોડ કરીને તસ્કરી કરી છે. ત્યારે બેંકની પણ ગંભીર બેદરકારી કહી શકાય. શોભાના ગાંઠીયા સમાન લાગેલા સીસીટીવી કેમેરા શું કામના ? તેવા સવાલો પણ ઉઠયા છે.

બજારો બંધ હોતા વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ
ભુજ : કોરોના કાળ વચ્ચે હાલ જિલ્લામથક ભુજમાં મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુને કારણે બજારો બંધ છે, તેની વચ્ચે એટીએમમાં ચોરીના બનાવને કારણે વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી દુકાનો સદંતર બંધ હોવાથી લોકોની અવરજવર પણ નથી રહી. તેવામાં વેપારીઓને ચોરી – ચપાટીનો ભય પણ સતાવી રહ્યો છે. નોધનીય છે કે, ગત માર્ચના અંતમાં એકાદ મહિના સુધી લાદવામાં આવેલા લોકડાઉન દરમ્યાન બજારની અનેક દુકાનોમાં ચોરીના બનાવો બન્યા હતા. વેપારીઓના સામાનનો હાથ મારીને તસ્કરોએ લોકડાઉનનો લાભ ઉઠાવ્યો હતો, ત્યારે ફરી પાછા તસ્કરો સક્રિય બનતા પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં તેવી લોકમાંગ ઉઠી છે.