ભુજમાં આવતીકાલથી જૈનમ કોવિડ કેર સેન્ટરનો આરંભ

માધાપર જૈન સમાજ દ્વારા સંચાલન કરાશે : સંપૂર્ણ આર્થિક સહયોગ માટે નવકાર ગૃપે ઉઠાવી જહેમત : આરટીઓ સ્થિત વીબીસી સંકુલમાં ઓક્સિજન સાથેની 50 પથારીની સગવડ ધરાવતુ કોવિડ કેર સેન્ટર સપ્તાહમાં કરાયું ઉભુ : સારવાર, ભોજન સહિતની સુવિધાઓ નિઃશુલ્ક મળશે

ભુજ : હાલમાં જ્યારે કોરોનાના કેસો માથું ઉચકી રહ્યા છે, ત્યારે સરકારની સાથે વિવિધ સંગઠનો અને સમાજો દ્વારા પણ સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યા છે. ત્યારે ભુજમાં જૈન સમાજ દ્વારા જૈનમ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આવતીકાલથી આ સેન્ટરમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

આ અંગેની વિગતો મુજબ આરટીઓ ખાતે આવેલા વાગડ બે ચોવીસી સંકુલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. સપ્તાહ પૂર્વે આગેવાનોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા વિચાર આવ્યો, જેના અનુસંધાને ગૃપ દ્વારા આર્થિક સહયોગ આપી સપ્તાહના ટુંકા ગાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં ઓક્સિજન સાથેની 50 પથારીઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દાખલ થનાર દર્દીને સારવાર, ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. માધાપર જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે આ કોવિડ કેર સેન્ટર અંગે કહ્યું હતું કે, શ્રી માધાપર જૈન સમાજ સંચાલિત અને નવકાર ગૃપના સંપુર્ણ આર્થિક સહયોગથી વીબીસી સંકુલ ખાતે જૈનમ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આવતીકાલે સવારે સાડા દસ વાગ્યે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો, જૈન સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, દાતાઓ અને સરકારી અધિકારીઓની હાજરી વચ્ચે આ કોવિડ કેર સેન્ટર લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. દાતાઓના સહકારથી આ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. જેમાં ભોજન, મેડિકલ, ઓક્સિજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા વિવિધલક્ષી સંકુલ કોવિડ સારવાર માટે આપવામાં આવ્યું છે. ખાસ તો સાધુ-સંતો કોરોના ગ્રસ્ત બને તો તેઓની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આવતીકાલે દાતા હરિભાઈ ધનાભાઈ માતા દ્વારા તેરા તુજકો અર્પણ સંસ્થાને એમ્બ્યુલન્સ પણ આપવામાં આવશે. જૈન સમાજ આ કપરી પરિસ્થિતિમાં કચ્છની પડખે ઉભો છે તેવું હિતેશ ખંડોરે કહ્યું હતું.

તો નવિનભાઈ કોરડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં કેસો વધી રહ્યા છે, ત્યારે મિત્ર વર્તુળમાં વિચાર આવ્યો કે, લોકોની સુખાકારી માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરીએ. જેથી કમલેશભાઈ સંઘવી પરિવાર, મનીષ શસીકાંતભાઈ મોરબીયા પરિવાર, કિર્તીભાઈ અને અશોકભાઈ કેશવલાલ સંઘવી પરિવાર, દલેચંદ મણીલાલ મહેતા (કેડી ઓટો) પરિવાર, ટાઈમ સ્ક્વેરના ભદ્રેશભાઈ મહેતા અને ચિરાગભાઈ શાહ તેમજ પોતે નવિનભાઈ ધારશીભાઈ કોરડીયા પરિવારે ભેગા મળીને કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા બીડુ ઝડપ્યું. જેમાં માધાપરના હિતેશભાઈ ખંડોરને સાથે રાખીને સપ્તાહ પુર્વે વીબીસી સંકુલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સપ્તાહના ટુંકા ગાળામાં અહીં ઓક્સિજનની પાઈપલાઈનો પાથરી દેવાઈ, બેડની વ્યવસ્થા ઉભી કરી 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. દાખલ થનાર દર્દીઓને મેડિકલ સારવાર, ભોજન સુવિધા, ઓક્સિજનની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. આવતીકાલે સવારે ઉદઘાટન બાદ બપોર બાદ દર્દીઓને દાખલ કરી ઓપીડી કાર્યરત કરવામાં આવશે. મેડિકલ સારવાર માટે એકોર્ડ હોસ્પિટલની ટીમ સેવારત રહેશે. સંચાલન મા ઈન્સ્યોરન્સના દિવ્યેશભાઈ અને ટીમ દ્વારા કરાશે. વીબીસી સંકુલ આપવા બદલ વાગડ બે ચોવીસી સ્થાનક વાસી યુવક મંડળ સંઘનો પણ આભાર મનાયો હતો.