ભુજમાં આજથી નાળા સફાઈ શરૂ, વરસાદી વહેણ પરના દબાણો કયારે દૂર થશે ?

ભાનુશાલીનગરમાં હમીરસરની આવ પાસે સફાઈ શરૂ કરાઈ

ભુજ : આગામી ચોમાસાની સીઝન અન્વયે ભુજ નગરપાલિકા દ્વારા વરસાદી નાળાઓની સફાઈ કરવાનું કામ આજથી શરૂ કરાયું છે. આજે પ્રથમ દિવસે ભાનુશાલીનગરમાં હમીરસરની આવ પાસે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાે કે શહેરમાં ઠેર – ઠેર વરસાદી વહેણ પર દબાણોનો રાફડો છે ત્યારે આ દબાણો દૂર થાય તો વરસાદના સમયે જળ અવરોધાવાની મોટાભાગની સમસ્યાઓનો નિવેડો આવે તેમ છે.  આ અંગેની વિગતો મુજબ ભુજ નગરપાલિકા દ્વારા આ વર્ષે નાળા સફાઈનો કોન્ટ્રાકટ ૧૩.૭૧ લાખમાં અપાયો છે. નગરપાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર બહાર પડાયું હતું, જેમાં સૌથી ઓછા ભાવે ૧૪.૭૦ લાખનું ટેન્ડર ભરાયું હતું, જેને ઓફિસમાં બોલાવી અંતે ૧૩.૭૧ લાખમાં કોન્ટ્રાકટ અપાયો હતો. અગાઉના વર્ષોમાં આનાથી વધુ રકમ કોન્ટ્રાકટ અપાયા છે. પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે, નાલા સફાઈનો આ કોન્ટ્રાકટ અત્યાર સુધીની સૌથી ઓછી રકમે અપાયો છે, જેમાં શહેરમાં ૩૪ કિલોમીટરમાં વરસાદી નાળાઓની રપથી ૩૦ દિવસમાં સફાઈ થશે. આજે ભાનુશાલીનગર તેમજ વોર્ડ નં. ૩માં કામગીરી કરાઈ હોવાનું ઉમેર્યું હતું.  જાે કે નોંધનીય છે કે શહેરમાં હમીરસર તળાવ તેમજ દેશલસર તળાવોને જાેડતી વરસાદી આવો તેમજ ઠેર- ઠેર વરસાદી નાળાઓ પર કાચા- પાકા દબાણો થઈ ગયા છે. કયાંક કોમ્પ્લેક્ષ ઉભુ થઈ ગયું તો કયાંક દુકાનો ધમધમે છે. વરસાદના સમયે દબાણના કારણે શહેરનું વરસાદી પાણી અવરોધાઈ જાય છે. પરિણામે લોકોના ઘરમાં પાણી ઘુસવા, માર્ગો પર કલાકો સુધી વરસાદી જળ અને ગટરનું પાણી ભરાયેલું રહે છે. નાળા સફાઈ સાથે નગરપાલિકા દબાણ દૂર કરવા પણ કમર કસે તે જરૂરી છે.