ભુજની ૧૧ પીએચસીમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટરની સુવિધા માટે તા.પં. ૧ર.પ૦ લાખનો ખર્ચ કરશે

ભુજ : કોરોના મહામારીમાં લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને લોકોને ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત પડે છે. જેથી મદદરૂપ થવા ડો. પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર, ભુજ એ પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરી, ઉપપ્રમુખ ડાયાભાઈ ગોપાલ આહિર, અન્ય પદાધિકારીઓએ તાલુકા વિકાસ અધિકારી શૈલેશ રાઠોડ પાસે રજૂઆત કરતા આ બાબતે ચર્ચા કરાઈ હતી. મહામારીમાં મદદરૂપ થવાની તાલુકા પંચાયતની નૈતિક ફરજ બની રહે છે અને આ બાબતે તાલુકા પંચાયત સ્વભંડોળમાં આરોગ્ય ક્ષેત્રે ખર્ચની જોગવાઈ પણ રાખવામાં આવેલ છે. જો દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ દર્દીને તાકીદની પરિસ્થિતિમાં દર્દીને હોસ્પિટલ લાઈઝ કરતા પહેલા ઓક્સીજન પૂરો પાડી શકાય તેવી વ્યવસ્થા હોય તો ઘણું જ રાહતરૂપ બની શકે છે. જેથી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ એક ઓક્સિજન કોન્સ્ટ્રેટર આપવામાં આવે તો હાલની કપરી પરસ્થિતિમાં રાહતરૂપ થઈ શકે તેમ છે. જેથી આ બાબતે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ એક એક લેખે ભુજ તાલુકાના ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર પુરા પાડવા તાલુકા પંચાયત સ્વભંડોળમાંથી આરોગ્ય ક્ષેત્રે થયેલ બજેટ જોગવાઈ હેઠળ અંદાજિત બાર લાખ પચાસ હજારની રકમ ફાળવવાનું નક્કી કરવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે અન્ય કોઈ પણ જરૂરિયાત જણાય તો પણ સ્વભંડોળની મર્યાદામાં યથાયોગ્ય મદદરૂપ થવા તાલુકા પંચાયતના તમામ સદસ્યો વતી પ્રમુખ મંજુલાબેન ભંડેરીએ ખાત્રી આપી હતી.