ભુજની ૧૧૩ ગ્રા.પં.ના તલાટીઓને વસૂલાતનો આંક સિદ્ધ કરવા આદેશ

ઓછી વસૂલાત થશે તો શિક્ષાત્મક પગલાં લેવાશે : માર્ચ મહિનો અંતિમ તબક્કામાં આવતા મિલકત, પાણી, સફાઈ, રોડ વેરો વસૂલવા ગ્રામ પંચાયતો ઉંધા માથે
ભુજ : માર્ચ મહિનો અડધો પૂર્ણ થઈ જતાં સરકારી વિભાગો દ્વારા હિસાબો સરભર કરવા સાથે વસૂલાત પણ વેગવાન બનાવાઈ છે. જુદા જુદા સરકારી વિભાગો વેરા વસૂલાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, ત્યારે ભુજ તાલુકામાં પણ ગ્રામ પંચાયતોને વેરા વસૂલાત મુદ્દે તાલુકા કક્ષાએથી કડક ટકોર કરવામાં આવી છે. મહતમ વેરા વસૂલાતના લક્ષ્યાંકને સિદ્ધ કરવા જણાવાયું છે. જો ઓછી વસૂલાત થશે, તો જે તે ગામના તલાટી તેમજ પંચાયત વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. ભુજ તાલુકામાં જોવા જઈએ તો પટેલ ચોવીસી, આહિરપટ્ટી, ખાવડા સહિતના ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતો આ તાલુકામાં આવેલી છે. જેમાં પટેલ ચોવીસીની પંચાયતો સમૃદ્ધ પણ છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો પાસેથી મિલકત વેરો તેમજ રોડ, રસ્તા, સફાઈ, પાણી, ગટર સહિતની સવલતો બદલ વેરો વસૂલવામાં આવે છે. વર્ષ દરમિયાન તો આ કામગીરી ચાલુ હોય છે, પરંંતુ અત્યારે માર્ચ એન્ડિંગ આવી જતાં નાણાંકીય વર્ષના હિસાબો સરભર કરવા માટે તાલુકા પંચાયત દ્વારા કવાયત આરંભી દેવાઈ છે. ભુજ તાલુકામાં આવતી ૧૧૩ જેટલી ગ્રામ પંચાયતોને મહતમ વેરા વસૂલવા સૂચના અપાઈ છે. તાજેતરમાં મળેલી બેઠકમાં તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને પણ વેરા વસૂલાત પર ફોક્સ રાખવા જણાવાયું હતું. મહતમ વેરો વસૂલાશે, તો તેટલી જ રકમ ગામના વિકાસમાં વપરાશે. પંચાયત સેવા આપે છે, તો ગ્રામજનોએ ઋણ ચુકવવા વેરો ભરપાઈ કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ. હાલમાં ગામે ગામ વેરા વસૂલાતની ઝુંબેશમાં મહતમ વેરો વસૂલવા ટીમો પણ બનાવી દેવાઈ છે. અને બાકીદારો પાસેથી લેણા વસૂલવા કયાંક સમજાવટ, તો કયાંક સખ્તાઈ બતાવવામાં આવી છે. ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત હસ્ત ૧૧૩ જેટલી ગ્રામ પંચાયતો આવે છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા વસૂલાતા વેરા અને હિસાબો પર દેખરેખ રાખવાની કામગીરી કરવામાં આવે છે. હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે તલાટીઓને મહતમ વેરા વસૂલાતના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે જણાવાયું છે. જો ઓછી વસૂલાત થશે તો શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.