ભુજના સણોસરામાં પરિણીતાએ કેરોસીન છાંટી જિંદગીને કહ્યું અલવિદા

મોટા કાંડાગરામાં કંપનીમાં કામ કરતા યુવાને દમ તોડ્યો : અબડાસાની સાંઘી કંપનીમાં લિફ્ટની મોટર માથે પડતા રાજસ્થાની શ્રમિકનું મોત : આદિપુર અને લાકડિયામાં પણ આધેડ વયના પુરુષનું મોત થતા પોલીસ સ્ટેશનમાં એડી નોંધાઈ

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ભુજ : કચ્છમાં અકસ્માત-મોતની વણઝારનો સીલસીલો યથવાત રહેવા પામ્યો છે. હોળી-ધુળેટીના સપરમાં તહેવારો દરમિયાન પણ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હતું. હજું પણ કચ્છમાં યમરાજાની લટાર હોય તેમ મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. આપઘાત અને અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન થતો વધારો ચિંતાજનક છે. આજે પણ જિલ્લામાં આપઘાત-અકસ્માતના બનાવોમાં વધુ પાંચ જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.
જેમાં ભુજ તાલુકાના સણોસરા ગામે પરિણીતાએ કેરોસીન છાંટી જિંદગીને અલવિદા કરી છે તો મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરામાં કંપનીમાં કામ કરતા યુવાને દમ તોડ્યો છે. બીજી તરફ અબડાસાની સાંઘી કંપનીમાં લિફ્ટની મોટર માથે પડતા રાજસ્થાની શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ તરફ પૂર્વ કચ્છમાં આદિપુર અને લાકડિયામાં પણ આધેડ વયના પુરુષનું મોત થતા પોલીસ સ્ટેશનમાં એડી નોંધાઈ હતી.માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સણોસરા ગામે રહેતી ૩૩ વર્ષિય પરિણીતા હીનાબેન હીરાભાઈ રબારીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી જાત જલાવી હતી. પોતાના શરીરે કેરોસીન છાંટ્યા બાદ આગ ચાંપતા શરીરે ગંભીર રીતે તેઓ દાઝી ગયા હતા. જેના કારણે તેઓએ દમ તોડી દેતા માનકૂવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત-મોતનો ગુનો દાખલ કરાયો છે. ગઈકાલે બપોરે ર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જે અંગે રાણાભાઈ જીમાભાઈ રબારીએ પોલીસને જાણ કરી હતી. હતભાગી હીનાબેનનો લગ્નગાળો ૧૧ વર્ષનો છે. તેમજ તેમને ત્રણ સંતાનો છે. આ ચકચારી ઘટનાની તપાસ પીઆઈ મીતેષ બારોટને સોંપાઈ છે. આ તરફ અબડાસા તાલુકામાં આવેલી સાંઘી સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ગત ૧૮ માર્ચના સાંઘી કંપનીમાં હતભાગી અર્જુનસિંહ છત્રસિંહ દુલાવત લિફ્ટ રિપેરિંગનું કામ કરતું હતું. તે દરમિયાન લિફ્ટની મોટર તેની માથે પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા ગત રોજ સાંજે વાયોર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરાઈ છે. હતભાગી રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી હતો અને અહીંની કંપનીમાં સ્ટાફ કોલોનીમાં રહેતો હતો. બનાવ અંગે પીએસઆઈ એમ.બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે. જ્યારે મુન્દ્રા તાલુકામાં આવેલા સીજીપીએલ કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ ટુંડા પ્લાન્ટમાં પણ શ્રમિકનું મોત નિપજ્યું હતું. અહીં કામ કરતા ર૧ વર્ષિય દિનદયાલ ઉર્ફે ઠાકુરપ્રસાદ કુસ્વાહા ગત રોત ૧ર વાગ્યાના અરસામાં મોતને ભેટ્યો હતો. તેને મુન્દ્રા સીએચસીમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. અકસ્માત મોતની ફરિયાદમાં મોતનું કારણ દર્શાવાયું નથી. જે બનાવની તપાસ પીએસઆઈ બી.જે.ભટ્ટને સોંપાઈ છે. દરમિયાન પૂર્વ કચ્છમાં આદિપુરના શિવ મંદિર પાસેથી ૪પ વર્ષિય અજાણ્યો પુરુષ ચાર દિવસ પૂર્વે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે જી.કે. જનરલમાં ખસેડાયો હતો. જેણે દમ તોડી દેતા આદિપુર પોલીસ સ્ટેશનમાં રામબાગની લાશ મળી આવી હતી. ભચાઉ તાલુકાના લાકડિયા ગામે પ્રાથમિક શાળાની સામે રહેતા ધનજી પુના વાણિયા નામના ૪પ વર્ષિય વ્યક્તિનું ચક્કર આવીને પડી જવાથી મોત થયું હતું. મરણજનાર સાંજે જમ્યા બાદ બાથરૂમ જતા હતા ત્યારે ચક્કર આવીને પડી જવાથી બેભાન થયા હતા. જેને લાકડિયા સીએચસીમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા. જે અંગે લાકડિયાના ઈન્ચાર્જ પીઆઈ કે.એન. સોલંકીએ તપાસ હાથ ધરી છે.