ભુજના સંજોગનગરમાંથી મહિલાઓ સહિત ૯ જુગારીઓની ધરપકડ

ભુજ એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી ૧૭ની રોકડ કબજ કરી આરોપીઓને પુર્યા પાંજરે

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : હોળી વખતે પણ જિલ્લામાં શ્રાવણીયો માહોલ જામ્યો હોય તેમ જુગારીઓ પળમાં આવી ગયા છે. તેવામાં ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં એક રહેણાક મકાનની બહાર જાહેરમાં તીનપત્તિના રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડમાં રોકડ રૂા.૧૭,૩૧૦ સાથે ૮ મહિલા સહિત ૯ જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી હકીકતને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ભુજના સંજોગનગરમાં એક્તા હોટલની પહેલી પાપડીની બાજુમાં આવેલા ડાડુના ઘરની બહાર જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હતો. પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને ૮ મહિલા સહિત ૯ જુગારીઓને દબોચી લેવાયા હતા. પોલીસના દરોડામાં અમીનાબેન હૈદરભાઈ જુણેજા (ઉ.વ. પપ), ભુરીબેન અબ્દુલભાઈ સમેજા (ઉ.વ. ૬૦), બાયાબાઈ રહેમતુલ્લા ફકીર (ઉ.વ. ૪૦), મેમુના બાબુભાઈ સુમરા (ઉ.વ. ૩૦), ક્રિષ્નાબેન હરજીભાઈ મારવાડા (ઉ.વ. ૬૦), જુલેખા ખમીશાભાઈ શેખ (ઉ.વ. ૪૦), હાજરાબાઈ જુમાભાઈ મંધરા (ઉ.વ. ૪૦), ફિરદોઝ ઉર્ફે ફરીદા સલીમભાઈ અંસારી (ઉ.વ. પ૦), ફિરોઝ બાબુભાઈ શેખની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપીઓના કબજામાંથી ૧૭,૩૧૦ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.