ભુજના લખુરાઈ ચાર રસ્તા નજીક યુવાનને છરી ઝીંકીને 5.70 લાખની ચાલવાઈ લૂંટ

બે શખ્સોએ ભોગગ્રસ્તનું બાઇક ઉભું રખાવી હુમલો કરીને નાણાંની બેગ લઇ બાઇક પર નાશી ગયા : ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ

ભુજ : શહેરના લખુરાઈ ચાર રસ્તા નજીક યુવાનને છરી ઝીંકીને 5.70 લાખની લૂંટ ચલવાયાની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ભુજની જૂની રાવલવાડીમાં રહેતા યુવાન સાથે બનાવ બન્યો હતો. બે શખ્સોએ ભોગગ્રસ્ત યુવાનનું બાઇક ઉભું રખાવી હુમલો કરીને નાણાંની બેગ લઇને પોતાની પલ્સર બાઇક પર નાશી ગયા હતા. ભુજના લખુરાઈ ચાર રસ્તા નજીક સીએમએસ કંપનીમાં નોકરી કરતા 25 વર્ષીય યુવાન હિરેન જેમલભાઈ પાયણ સાથે લૂંટનો બનાવ બન્યો હતો. ભોગગ્રસ્ત યુવાન કંપનીમાં કલેકશન કરતો હતો. અને પોતાની સાથેની બેગમાં રૂ. 5 લાખ 70 હજાર 213ની રકમ લઈને જીઆઇડીસી નજીકથી પસાર થતો હતો તે દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેને અટકાવીને પ્રથમવાર છરી મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાન દૂર થઈ જતા બચી ગયો હતો તેથી બીજી વખત કરાયેલા હુમલામાં ભોગગ્રસ્તને હાથમાં છરી લાગી હતી. આરોપીઓએ હિરેનને છરી ઝીંકીને તેની પાસેની બેગમાં રહેલા રી.5.70 લાખની લૂંટ ચલવીને પોતાની પલ્સર બાઇકમાં નાશી ગયા હતા. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરીને નાશી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધાર્યા છે.