ભુજના રેલવે સ્ટેશન રોડ પર કાર દીવાલ સાથે અથડાતા એકનું મોત, 3 ઘાયલ

ભુજ : શહેરના રેલવે સ્ટેશન રોડ પર હિના પાર્ક નજીક શનિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ વેગે પસાર થતી કાર દીવાલ સાથે ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ જ્યારે અન્ય ત્રણ જણને ઈજાઓ પહોચી હતી. મળતી વિગતો મુજબ રેલવે સ્ટેશન રોડ પર કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર દીવાલ સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. કારમાં સવાર 4 યુવાનો માંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જણને ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ ભુજ બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડવા ઉપરાંત પોલીસ દ્વારા પંચનામુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.