ભુજના રઘુવંશીનગરમાં દુકાનદારને આગ ચાપવે જનાર નશેડે યુવાને પણ દાઝ્યો

કેબિનધારક વૃદ્ધ પાસેથી ઉધારમાં પેટ્રોલ ભરાવવા આવનાર નાશામાં દ્યુત શખ્સે બનાવને આપ્યો અંજામ : બન્ને દાઝી જતા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો

ભુજ : શહેરમાં રઘુવંશી ચોકડી પાસે આગના બનાવમાં બીડી-સિગારેટ અને પાનમસાલાની કેબિન પર પેટ્રોલનું વેંચાણ કરતા વૃદ્ધ સહિત અન્ય એક સળગી ઉઠ્યા હતા. ધમધમતા માર્ગ પર બે શખ્સોને સળગેલી હાલતમાં જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે બન્નેને 108 મારફતે સારવાર માટે ખસેડાયા હતા. મળતી વિગતો મુજબ રઘુવંશી ચોકડી નજીક 62 વર્ષિય ઘનશ્યામભાઈ ઠક્કર પોતાની પાન-બીડીની કેબિને સાથે છુટકે પેટ્રોલનું પણ વેંચાણ કરતા હતા. દરમિયાન આજે બપોરે નશામાં ચકચૂર યુવાને દુકાનદાર વૃદ્ધ પર પેટ્રોલ છાંટી સળગાવવા જતાં પોતે પણ સળગી ઉઠ્યો હતો. ભર બપોરે 40 વર્ષિય પરેશ દામજી પરમાર નામનો યુવાન પોતાનું બાઈક લઈને બીડી અને પેટ્રોલ ખરીદવા આવ્યો હતો. અને ઉધારમા પેટ્રોલ આપવાનું કહ્યુ હતુ. ત્યારે દુકાનદારે અગાઉની ચીજવસ્તુના નાણાં આપવાનું કહીને ઉધારમાં પેટ્રોલ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી એકાએક ઉશ્કેરાયેલા યુવાને કેબિનમાં પડેલો પેટ્રોલ ભરેલો શીશો ઉપાડીને ઘનશ્યામભાઈ પર પેટ્રોલ છાંટ્યુ હતુ. આરોપી નશામાં દ્યુત હોવાને કારણે ધથડિયા ખાતો હોવાથી તેના કપડાં પણ પેટ્રોલવાળા થયા હતા. ત્યારબાદ યુવાને દુકાનદારને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઘનશ્યામભાઈને સળગાવવા જતાં તેના કપડાંએ આગ પકડી લેતાં તે પણ બળવા માંડ્યો હતો. જાહેરમાં બબ્બે શખ્સોને સળગતાં જોઈને ભારે લોકોમાં હાહાકાર મચી ગયો હતો. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી બન્નેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. જેમાં યુવાન પરેશની હાલત ગંભીર હોતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. તો એકલવાયું જીવન જીવતાં ઘનશ્યામભાઈનું નિવેદન લઈને ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળને તપાસ હાથ ધરી છે.