ભુજના માધાપરમાં દારૂની રેઈડમાં એકની ધરપકડ, બીજો નાસ્યો

ગાંધીધામમાં દારૂની ૧ર બોટલ ઝડપાઈ, આરોપી હાજર ન મળ્યો

ભુજ : તાલુકાના માધાપરના કોટકનગર તેમજ ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં દારૂના દરોડા પડાયા હતા. જેમાં માધાપરમાંથી એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે બીજો આરોપી નાશી છૂટ્યો હતો તો ગાંધીધામમાં માત્ર દારૂ મળ્યો હતો આરોપી હાજર મળ્યો ન હતો. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના કોટક નગરમાં પોલીસે દરોડો પાડતા આરોપી દિનેશ પ્રેમજી હિરાણી રૂા.૧પ૦૦ની શરાબની ૪ બોટલ સાથે ઝડપાયો હતો. જ્યારે તેને એક્ટિવાથી દારૂ આપવા આવનાર ધર્મેશ મોહન ગઢવી પોતાનું વાહન છોડીને નાશી છૂટ્યો હતો. પોલીસે શરાબ સહિત રૂા.પ૧,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં પોલીસે દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો હતો. આરોપી શામજી માલશી મહેશ્વરીના કબજાના મકાનમાં પોલીસે દરોડો પાડીરે રૂા.૪ર૦૦ની ૧ર બોટલ કબજે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.