ભુજના ભીડભાડવાળા સ્થળોએ તંત્રની ટીમો દ્વારા ફૂટમાર્ચ યોજાઈ

 

માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરાવાયા : આજની ડ્રાઈવ લોકોમાં જાગૃતિ આવે તે માટે યોજાઈ છેઃ મનીષ ગુરવાણી

ભુજ (બ્યુરો દ્વારા) : જિલ્લા મથક ભુજમાં દિન પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ફરીથી સરકારી તંત્ર હરકતમાં આવ્યા છે. આજે ભુજના ભીડભાડવાળા સ્થળોએ તંત્રની ટીમો દ્વારા ફૂટમાર્ચ યોજી માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરાવાયા હતા. ભુજમાં દરરોજ પથી ૧૦ કેસો આવી રહ્યા છે, ત્યારે પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીની હાજરીમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ સહિતના સ્થળોએ અધિકારીઓએ ફૂટમાર્ચ યોજી હતી. લોકો કોરોના ચાલ્યો ગયો છે, તેમ સમજી માસ્ક પહેરતા નથી, જેથી આજે અધિકારીઓ રોડ ઉપર ઉતર્યા હતા. પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, આજની ડ્રાઈવ લોકોમાં જાગૃતિ આવે તે માટે યોજવામાં આવી છે. માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરાવાયા છે. જો લોકો માસ્ક પહેરવાના નિયમનું ઉલ્લંઘન કરતા રહેશે તો દંડાત્મક પગલાં પણ લેવામાં આવશે. ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિએ નગરજનોને માસ્ક, સેનેટાઈઝ અને સોશ્યિલ ડિસટન્સનું પાલન કરવા અપીલ કરી હતી.