પશ્ચિમ કચ્છ એસઓજીએ દરોડો પાડીને ગાંજાના ૪ર જીવંત છોડ સાથે આરોપીની કરી ધરપકડ

ભુજ : તાલુકાના ભારાપર ગામે કરાતી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર રીતે વાડીમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવતો હતો. જેની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી એક શખ્સની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ભારાપર ગામે સીમ વિસ્તારમાં આવેલ બાબુ સલુ કોલીના કબજા-ભોગવટાની વાડીમાં પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીને પગલે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડમાં આરોપી બાબુ સલુ કોલીએ વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર રીતે વાવેતર કરી છોડરૂપે તેનો ઉછેર કરવામાં આવતો હતો. દરમિયાન એસઓજીએ બાતમીને પગલે દરોડો પાડી નાના-મોટા કુલ ૪ર જીવંત છોડનો પર્દાફાશ કરી ૬ કિલો ૧૧૦ ગ્રામ ગાંજાનો માદક જથ્થો કબજે કર્યો હતો. સાથે જ આરોપી બાબુ સલુ કોલીની ધરપકડ કરી ૬૧,૧૦૦ની કિંમતનો માદક જથ્થો તેમજ એક મોબાઈલ મળીને કુલ ૬ર,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ પાડેલા દરોડામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયા બાદ માનકૂવા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની ક્રોસ તપાસ ગઢશીશા પોલીસ મથકના પીઆઈ આર.ડી. ગોજિયાને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છ જિલ્લામાં અવાર-નવાર બહારથી મંગાવવામાં આવતો ગાંજાનો જથ્થો ઝડપાય છે ત્યારે હવે ગાંજાની ખેતી પણ કચ્છમાં થવા લાગી છે. ત્યારે પોલીસ તંત્રની સાથે ખેતીવાડી વિભાગ પણ હરકતમાં આવે અને યોગ્ય તપાસ કરે તે અનિવાર્ય છે.