ભુજના બાવાગોર ફળિયામાં દિન દહાળે એકાદ લાખની કરાઈ તસ્કરી

ઘરનો પાછળનો દરવાજો તોડીને અજાણ્યે તસ્કરોએ રોકડ અને દાગીના તફડાવ્યા

ભુજ : શહેરના બાવાગોર ફળિયામાં દિન દહાળે એક મકાનને નિશાન બાનવીને તસ્કરોએ એકાદ લાખની માલમત્તાનો હાથ સફાયો કર્યો હતો. બનાવને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પંચનામુ કરવા સહિતની કાર્યવાહી કરીને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. પ્રપ્ત વિગતો મુજબ ભુજના બાવાગોર ફળિયામાં સીદી સમેજવાડીમાં રહેતા મર્હુમ ઈકબાલભાઈ કુરેશીના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેમના જમાઈ ઈમરાન મકવાણાના જણાવ્યા પ્રમાણે ઘરમાં તેમના સાસુ અને સાળી રહે છે. તેની સાળી સવારે 10થી સાડા 11 વાગ્યા દરમિયાન ટ્યુશન કરાવે છે. ત્યારે શનિવારે પણ રાબેતા મુજબ સાડા 11 વાગ્યા સુધી ટ્યુશન કરાવાયુ હતુ. બાદમાં બન્ને માતા-પુત્રી નજીક જ આવેલા કાકાના ઘેર ગયા હતા. તે દરમિયાન 12 થી સાડા 12 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો ઘરના પાછળના દરવાજાને તોડીને તસ્કરી કરી હતી. ઘરમાંથી સોનાની ચેઈન, પેન્ડલ, બુટીયાની જોડ અને હાથની પોચી ઉપરાંત 40થી 50 હજારની રોકડ રકમ મળીને તસ્કરો 1 લાખથી વધુનો મુદ્દામાલ બુસેટી ગયા હતા. બપોરે કાકાના ઘેરથી પરત ફરેલી માતા-પુત્રીએ ઘરમાં જોયુ તો તમામ સામાન વેરવિખેર કરાયેલો હતો. જેને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરાતા પોલીસે પંચનામુ કરીને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.