ભુજના બજાર વિસ્તારોમાં પોલીસનું ચેકીંગ અવિરત જારી

મંજૂરી વગર દુકાન ખોલનારા વેપારીઓની કરાઈ પુછપરછ : કયાંક કાયદાનો દંડો પણ ઉગામાયો

ભુજ : હાલ કોરોના વાયરસના કારણે ભુજ શહેરમાં આવતીકાલ સુધી સરકાર દ્વારા નિયંત્રણો અમલી છે. જો કે, ઘણાખરા વેપારીઓ સરકારી જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલી રાખે છે અથવા શટર ડાઉન કરી કામ કાજ કરતા જોવા મળે છે. જેઓ સામે પોલીસ કાર્યવાહી આજે પણ જારી રહી હતી. બજાર વિસ્તારોમાં મંજૂરી વગર ખોલનારા વેપારીઓની પુછપરછ કરી કારણ યોગ્ય ન જણાય તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. એ ડિવિઝન પોલીસે છઠ્ઠીબારી, તળાવ શેરી, અનમ રીંગરોડ, વાણીયાવાડ, મહેરઅલી ચોક, શરાફ બજાર, વોકળા ફળિયા સહિતના વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન માસ્ક વગર જાહેર સ્થળે દેખાયેલા લોકોને ૧ હજારનો દંડ કરાયો હતો. તો મંજૂરી વગર દુકાનો ખોલનારા વેપારીઓની પુછપરછ કરાઈ હતી. કેટલાક સ્થળોએ બીનજરૂરી લોકો જણાઈ આવતા તેઓને જીપમાં બેસાડાયા હતા.