ભુજના પ્રમુખ સ્વામીનગર અને વાણીયાવાડમાં વહીવટી તંત્ર-પોલીસ દ્વારા કરાયું ચેકીંગ

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોમાં ફેલાવાઈ જનજાગૃતિ

ભુજ : શહેરના પ્રમુખસ્વામી નગર તેમજ વાણીયાવાડ વિસ્તારમાં ભુજના મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન અને નિયંત્રણોનું ચુસ્તપણે પાલન થાય અને લોકો માસ્ક અચુક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે તંત્રની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ અંગેની વિગતો મુજબ ભુજના મામલતદાર બી.એચ. બારડની ટીમ તેમજ પોલીસ દ્વારા પ્રથમ ભુજની મા આશાપુરા સ્કૂલ પાસેથી ફૂટમાર્ચ કરવામાં આવ્યું હતું. તંત્ર અને પોલીસનો કાફલો પ્રમુખસ્વામી નગરમાં પહોંચ્યો હતો. જયાં સરકારી ગાઈડલાઈન અને કલેકટરના જાહેરાનામા અન્વયે ચેકીંગ કરાયું હતું. મામલતદાર શ્રી બારડે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી નગરમાં પ્રમાણમાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આ વિસ્તારમાં પોલીસને સાથે રાખીને પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીની સુચનાને પગલે ચેકીંગ હાથ ધરાઈ છે. જેમાં કોવિડ ગાઈડ લાઈન અને જાહેરનામા મુજબના નિયંત્રણો અન્વયે બીનજરૂરી દુકાનો ચાલુ છે કે નહીં તેની ચેકીંગ કરાઈ હતી. તો છુટછાટ મળેલી દુકાનોમાં માસ્ક અને સેનેટાઈઝરની ચકાસણી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે સહિતની જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. પ્રમુખ સ્વામિનગરમાં રાત્રી કર્ફ્યુ તેમજ લોકડાઉનના નિયંત્રણો લાગ્યા બાદ થોડા સમય માટે જ પાલન થયું હતું. ત્યારબાદ આ વિસ્તારમાં કોઈ પણ જાતની અમલવારી જોવા મળી ન હતી. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય દુકાનો દિવસ ભર ચાલુ રહેતી તેમજ રાત્રી દરમિયાન પણ લોકો ટોળે વળીને ફરતા તેમજ બેઠકો જમાવીને બેસતા જોવા મળતા હતા. પરિણામે જ આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે. પ્રમુખ સ્વામિનગર બાદ ભુજના વાણીયાવાડ વિસ્તારમાં પણ મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. મામલતદાર બી.એચ. બારડે ઉમેર્યું હતું કે, કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે,
પરંતુ કોરોનામાંથી આપણે હજુ સંપુર્ણ મુક્ત થયા નથી. તેથી લોકોમાં જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. મામલતદારની ટીમ સાથે ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકના અધિકારી – પોલીસ કર્મીઓ જોડાયા હતા.