ભુજના નારાણપર નજીક પુલિયા પરથી ટ્રેલર ખાબકીને સળગ્યું : એક ભડથું

અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ જ્યારે ત્રીજા શખ્સની શોધખોળ જારી : ફાયર બ્રિગેડ અને માનકુવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી

ભુજ : તાલુકાના નારાણપર ગામે પુલિયા પરથી એક ટ્રેઈલર નીચે ખાબક્યું હતું. આ અકસ્માત બાદ ટ્રેઈલરમાં આગ ભભૂકી ઉઠી હતી. ગમખ્વાર બનાવમાં ટ્રેઈલરની અંદર સવાર એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગઈ હતી. જ્યારે અન્ય એકને બચાવી લેવાયો હતો. જ્યારે ત્રીજા વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના નારાણપર નજીક આવેલા પુલિયા પરથી જી.જે.૧ર એ.ઝેડ. ૩ર૯ર નંબરનું ટ્રેઈલર અકસ્માતે પુલિયા પરથી નીચે પટકાયું હતું. આ ગોજારા અકસ્માતમાં નીચે પટકાયેલા ટ્રેઈલરમાં કોઈ પણ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે ભુજ ફાયર બ્રિગેડ અને માનકુવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને ટ્રેઈલરમાં ભભૂકેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જાેકે, ગાડીની કેબિનમાં એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયેલી હાલતમાં જાેવા મળ્યો હતો. જ્યારે એક વ્યક્તિ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, તો એકને બચાવી લેવાયો હતો. બનાવને પગલે માનકુવા પોલીસે આગળની છાનબીન હાથ ધરી હતી. હતભાગી બળીને ભડથું થઈ ગયો હોવાના કારણે તેની ઓળખ થઈ શકી ન હતી. માનકુવા પોલીસે મૃતકની ઓળખ કરવા સહિત વધુ એક વ્યક્તિની શોધખોળ આદરી હોવાનુું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.