ભુજના ડી-માર્ટના બે મેનેજરોએ સફાઈ કામદાર મહિલાની છેડતી કરતા ફરિયાદ

જેન્ટ્સ ટોયલેટ સાફ કરવાની ફરજ પાડીને કરાતી હતી છેડતી : નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને જાતિ અપમાનિત કરાતા એટ્રેસિટી સહિતની કલમો તળે નોંધાયો ગુનો

ભુજ : મહિલા સશક્તિકરણની ગુલબાંગો વચ્ચે ભુજના ડી-માર્ટમાં સફાઈ કામગીરી કરીને પરિવારનું ભરણપોષણ કરતી 26 વર્ષિય પરિણીતાનું શોષણ કરવાના ઈરાદે છેડતી કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ડી-માર્ટના ગોડાઉન મેનેજર અને સ્ટોર મેનેજરે અનેકવાર પરિણાતની છેડતી કરી જાતિ અપમાનિત કરતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર મહિલાએ ડીમાર્ટના ગોડાઉન મેનેજર પોપટ માલીવાડ અને સ્ટોર મેનેજર મીત ડગલી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભોગગ્રસ્તના જણાવ્યા મુજબ ગત વર્ષે જૂલાઈ મહિનામાં એચ.આર મેનેજર વ્યાપ્તિ જોશી રજા પર ગયા હતા. તે દરમિયાનથી ગોડાઉન મેનેજર પોપટ માલીવાડ અને સ્ટોર મેનેજર મીત ડગલીએ પરિણીતા સાથે શારીરિક છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓ મહિલાને જેન્ટ્સ બાથરૂમ સાફ કરવા માટે મોકલતા હતા. અને મહિલા ફરજના ભાગરૂપે બાથરૂમ સાફ કરવા જાય ત્યારે આરોપી પોપટ અંદર ઘૂસીને તેના કપડાં પકડી છેડતી કરતો હતો. ભોગગ્રસ્તે વિરોધ નોંધાવતા તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અપાતી હતી. એક આરોપીની હરકતેની જાણ થતા બીજો સ્ટોર મેનેજર મીત ડગલી પણ મહિલાને તેની જાતિ વિશે અપમાનિત કરી ધમકી આપવા લાગ્યો હતો. આરોપી મીતે ભોગગ્રસ્તને ધમકાવતા કહ્યુ હતુ કે, “તારે નોકરી કરવી હોય તો આવું બધું સહન કરવું પડશે. અને પોપટ કહે તેમ કરવું પડશે.” બન્ને આરોપીઓના ત્રાસથી કંટાળેલી સફાઈ કામદાર પરિણીતાએ જે તે દિવસે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. બનાવને પગલે ડી માર્ટના એરીયા મેનેજર ખંજન શાસ્ત્રીએ બન્ને પક્ષે સમાધાનનો પ્રયાસ કરી મહિલાને ન્યાય અપાવવા માટેની ખાતરી આપી હતી. જેથી મહિલાએ પોલીસને અરજી આપ્યા બાદ વિધિવત ફરિયાદ નોંધાવવાનું  ટાળ્યુ હતુ. જો કે, છ મહિના બાદ  પણ મહિલાને સમાધાનમાં નક્કી થયા મુજબનો ન્યાય ન મળતાં તેણે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ડી-માર્ટના આ ચકચારી બનાવને પગલે મોલમાં કામ કરતી મહિલાઓ અને યુવતિઓની સુરત્રા પર પ્રશ્નાર્થ ખડો થયો છે.

લોકડાઉન દરમિયાન પણ ડી-માર્ટના જવાબદારોએ ગ્રાહકો સાથે કરી હતી ઉધ્ધતાઈ

ભુજ : લોકડાઉન દરમિયાન ડી-માર્ટ મોલમાં મર્યાદિત કસ્ટમરોને જ પ્રવેશ અપાતો હતો. તે દરમિયાન એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને હાલ ટીડીઓ તરીકે સેવારત છે તેવા ગ્રાહકને ધક્કા-મૂક્કી કરાઈ હતી. અને અભદ્ર ભાષામાં ડી-માર્ટના જવાબદારોએ જીભાજોડી કરી હતી. જે તે વખતે પણ મામલો વણસતા પોલીસને ડી-માર્ટ મોલ સુધી દોડી જવુ પડ્યુ હતુ.

અન્ય મહિલા ગ્રાહકો સહિતની સુરક્ષા સામે પણ સવાલો

ભુજ : ડી-માર્ટના બેજવાબદાર સ્ટાફને કારણે અન્ય ગ્રાહકોની સુરક્ષા સામે પણ સવાલો ઉદ્દભવ્યા છે. કામ કરતી પરિણીતા સાથે થયેલી છેડતીની ઘટનાએ મોલની વિશ્વસનીયતા પર સવાલો ખડા કર્યા છે. તો ગ્રાહકો સાથે થયેલા અભદ્ર વર્તનને કારણે ડી-માર્ટ મોલમાં જતા ગ્રાહકોને વિચાર કરવાનો વારો આવ્યો છે.