ભુજના કેમ્પ વિસ્તારમાં પોલીસ ચોકી નજીકની દુકાન અને ગોડાઉનમાંથી ચોરી

રસકસ કરિયાણાની દુકાનમાંથી રોકડ અને સામાન મળી બારેક હજારનો મુદ્દામાલ તફડાવાયો

ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી નજીકની દુકાન અને ગોડાઉનના તાળા તોડી તસ્કરી કરાઈ હતી. રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ રપ૦૦ની રોકડ તેમજ દુકાન ગોડાઉનમાંથી અન્ય સામાન મળીને અંદાજે ૧ર હજારનો મુદ્દામાલ તફડાવી ગયા હતા. ભુજના કેમ્પ એરિયામાં થયેલી ચોરી અંગેની વિગતો મુજબ આ વિસ્તારમાં રહેતા સામાજીક અગ્રણી અનવરભાઈ નોડેએ જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં આવેલી મેટ્રો પ્રોવિઝન સ્ટોર નામની દુકાન અને તેના ગોડાઉનમાંથી ચોરી થઈ હતી. દુકાન માલિક ઈકબાલ ઈભલાભાઈ નોડેના જણાવ્યા પ્રમાણે તેમની દુકાન અને ગોડાઉનમાંથી રોકડ રૂા.રપ૦૦ની તસ્કરી કરાઈ હતી. આ ઉપરાંત પ લિટર તેલના ડબ્બાના ર કાર્ટુન, ૧ લિ. તેલની બોટલના ર કાર્ટુન અડધા લીટરના તેલના ર કાર્ટુન અને અન્ય સામગ્રી મળીને કુલ બારેક હજારનો હાથ તસ્કરો મારી ગયા હતા. બનાવને પગલે સામાજીક અગ્રણી અનવર નોડે દ્વારા પોલીસને જાણ કરાતા ભુજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ચોરી થયેલી દુકાન અને ગોડાઉનમાં સર્વે કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.