ભુજના ઉખડમોરામાં ધાણીપાસાના જુગાર પર દરોડો

ભુજ : તાલુકાના ઉખડમોરા ગામની સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે ધાણીપાસા વડે રમાતા જુગાર પર પધ્ધર પોલીસની ટીમે દરોડો પાડયો હતો, જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ હતી, જ્યારે અન્ય ચાર આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને નાસી ગયા હતા. પધ્ધર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ દારૂ, જુગાર જેવી ગેરપ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને એવી બાતમી હકિકત મળી હતી કે, ઉખડમોરા ગામની પૂર્વ દિશાએ સીમ વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રતનાલના આરોપી રણછોડભાઈ વેલજીભાઈ વરચંદ (આહિર)ની ધરપકડ કરાઈ હતી, જ્યારે કનૈયાબેનો કુખ્યાત જુગારી કાસમશા ઈબ્રાહીમશા શેખ તેમજ આમદશા ઈબ્રાહીમશા શેખ, અસગરશા હુસેનશા શેખ અને ગાંધીધામના મહેશ વર્ધીલાલ ઠક્કર નામના આરોપીઓ નાસી છુટ્યા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડ રૂપિયા પ,૭૦૦/- તેમજ ૬૦ હજારની ત્રણ મોટર સાયકલ મળીને કુલ્લ ૬પ,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તેમજ નાસી છુટેલા આરોપીઓ વિરૂદ્ધ પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાતા ક્રિપાલસિંહ જામભા ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.