ભુજથી યુવાનનું અપહરણ કરનાર બન્ને આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

યુવકનું અપહરણ કરી ચેન્નઈ લઈ જઈ રૂપિયા 10 લાખની ખંડણીની કરાઈ માંગણી : પશ્ચિમ કચ્છ પોલીસે જુદી જુદી ટીમો બનાવી બે આરોપીઓની કરી હતી ધરપકડ

ભુજ : સસ્તા સોનાની ચિટીંગ કરી બે નંબરી સોદા માટે અવારનવાર ભુજનું નામ ચર્ચામાં રહે છે. ત્યારે ભુજના યુવકે સસ્તા સોનાના નામે ચિટીંગ કરી હોવાની શંકાએ અપહરણ કરી ચેન્નઈ લઈ જવાયો હતો.  ચાર શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને ભુજના યુવાનનું અપહરણ કર્યું હતું. જેમાંથી પોલીસે તામીલનાડુના બે આરોપીઓની ધરપકડ કરી ભુજ લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયા હતા. નામદાર કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, ભુજના આશાપુરા મંદિર પાછળ સેજવાળા માતમમાં પન્નાનગર-૧માં રહેતા અને દુધની ફેરીનો વ્યવસાય કરતા ૧૯ વર્ષિય હુઝેફા અબ્દુલ મજીદ અદ્રેમાન લાંગાયનું ચાર અજ્ઞાત શખ્સોએ પોલીસની ઓળખ આપી ફિલ્મી ઢબે સફેદ કલરની કારમાં અપહરણ કર્યું હતું. સ્ટેશન રોડ વિસ્તારમાંથી કરાયેલા અપહરણ બાદ યુવકને છોડાવવા માટે ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે બનાવ અંગે અપહરણ થયેલા યુવકના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી, ભુજ એ ડિવિઝન પોલીસની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ચેન્નઈથી યુવકને મુકત કરાવ્યો હતો. સાથે જ તામીલનાડુના જ્હોન આરોકીયા સામી વીયાકુલમ અને જ્હોનસન અરૂલા નાથમની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓને ચેન્નઈથી બાય કાર ભુજ લાવીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.