ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં યુ-ટ્યૂબ ઠપ્પઃ યુઝર્સ પરેશાન

ન્યુ દિલ્હી,તા.૧૯ વિશ્વની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ ૧૯ મેના રોજ સવારના સમયે ડાઉન થઈ ગઈ હતી. આશરે એક કલાક સુધી ઠપ્પ રહ્યા બાદ યુટ્યુબ ફરી કામ કરવા લાગ્યું હતું. યુટ્યુબ દ્વારા ટ્‌વીટર પર સર્વિસ ડાઉન થયાની પૃષ્ટિ પણ કરવામાં આવી હતી. યુટ્યુબ ડાઉન થયા બાદ ટ્‌વીટર પર ઈંયુટ્યૂબડાઉન ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. યુઝર્સને યુટ્યુબના એપ અને ડેસ્કટોપ એમ બંને વર્ઝન પર મુશ્કેલી અનુભવાઈ રહી હતી. યુઝર્સ ના વીડિયો જોઈ શકતા હતા કે ના લોગઈન થઈ શકતા હતા. ડાઉનડિટેક્ટરે પણ યુટ્યુબ ડાઉન થયાની પૃષ્ટિ કરી હતી. સવારના સમયે ૮૯ જેટલા લોકોએ ડાઉનડિટેક્ટર પર યુટ્યુબ ડાઉન થયાની ફરિયાદ કરી હતી અને અડધા કલાકમાં તો ફરિયાદ કરનારાઓની સંખ્યા ૮,૦૦૦ કરતા પણ વધી ગઈ હતી. આશરે ૯૦ ટકા જેટલા લોકોએ વીડિયો પ્લે ન થતો હોવાની ફરિયાદ કરી હતી.