ભારતે કોરોના રસી આપતા ક્રિસ ગેલે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, કહ્યું- થેન્ક યુ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,વેસ્ટઇન્ડિઝ ક્રિકેટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધૂમ મચી છે. વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે ભારતીય પીએમના વખાણ કર્યા છે.હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ છે. કેટલાક દેશ તો આ મહામારીથી ખૂબ જ પ્રભાવિત છે. ભારત પણ તેમાં સામેલ છે. પરંતુ સારી વાત એ છે કે ભારતે આ મહામારીનું સમાધાન શોધી લીધું છે. અને એ છે કોરોનાની રસી.કોરોનાથી બચવા માટે દેશની તો મદદ થઈ રહી છે સાથે જ ભારત વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી રહ્યુ છે. કેરેબિયન દ્વીપમાં આવેલ જમૈકા પણ એવા દેશમાંથી એક છે જેને ભારતે કોરોનાની રસી ગિફ્ટ કરી છે. આ જ કારણ છે કે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટર ખાસ કરીને જમૈકાથી આવે છે તે ભારતીય પીએમ મોદીની વાહવાહી કરતા જોવા મળી રહ્યા છે.જમૈકન ક્રિકેટર ક્રિસ ગેલે નરેન્દ્ર મોદીને મોકલેલ પોતાના આભાર મેસેજમાં ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, ’’હું પીએમ મોદી, ભારત સરકાર અને ત્યાંના લોકોનો આભારી છું કે તેમણે જમૈકાને કોરોના રસી ગિફ્ટ કરી છે અને મહામારીથી બચવામાં અમારી મદદ કરી છે.’’