ભાજપ સાંસદ સિંધિયાના જય વિલાસ પેલેસમાંથી ચોરી થતા દોડધામ

(જી.એન.એસ.)ઇન્દોર,ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ખાતર પડ્યું છે. સૌથી સુરક્ષિત ગણાતા જય વિલાસ પેલેસમાં ચોરીની ઘટનાથી પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહેલમાંથી શેની ચોરી થઈ તે હજુ સામે નથી આવ્યું પરંતુ પોલીસ સ્નિફર ડોગની મદદથી ચોરો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. ગ્વાલિયરના પોલીસ અધીક્ષકે સિંધિયા રાજવંશના જય વિલાસ પેલેસ પરિસરમાં ચોરી મામલે કહ્યું કે, બુધવારે સવારે રાનીમહલથી સમાચાર મળ્યા હતા કે, છતના રસ્તેથી ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા હતા. આ અંગેની સૂચના મળતા જ પોલીસ અધિકારી અને પોલીસ ફોર્સ સાથે ડોગ ફોર્સ અને ફોરેન્સિક ટીમને મોકલી દેવામાં આવી હતી. ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા છે અને એક પંખો, કોમ્પ્યુટરનું સીપીયુ ચોરાયું હોવાનું કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જય વિલાસ પેલેસ વિદેશમાં પણ ખૂબ ચર્ચિત છે અને વિદેશીઓ પણ તેની મુલાકાતે આવતા હોય છે. શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ ૧૮૭૪માં આ મહેલ બનાવડાવ્યો હતો અને તે આશરે ૪૦ એકરમાં ફેલાયેલો છે. આ મહેલની કિંમત આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે.