ભરુચમાં એમ્બ્યુલન્સ ન મળતા દર્દીનું મોત નિપજ્યું

ભરુચ,તા.૧૭ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન કોરોના મહામારીમાં ગુમાવ્યા છે. ત્યારે ભરુચમાં એમ્બ્યુલન્સ ન મળતા દર્દીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામ આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, અંકલેશ્વરની રામનગર સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના થયા પછી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમણે ૧૦૮માં કોલ કર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ન આવતાં છેવટે તેમના પુત્રે કંટાળીને લારીમાં બેસાડીને માતાને અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે લવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જતા માતાએ હોસ્પિટલના ગેટ પર જ દમ તોડ્યો હતો.
માતાની લાશ લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ હોવાનું જણાવાતા યુવકે જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સની જરૂર હતી ત્યારે ના મળી તો હવે શું કરું? આ પછી ફરીથી પુત્ર માતાને લારીમાં જ ઘર તરફ રવાના થયો હતો. આ ઘટનાના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં દર્દીને લારીમાં લાવતા સીસીટીવી હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લાશને લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ન મળતા છેવડા સામાજિક આગેવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી, પરંતુ સરકારી સિસ્ટમથી નારાજ યુવકે જરૂર હતી, ત્યારે એમ્બ્યુલન્સ ન મળી તો હવે શું કરું એમ જણાવી માતાની લાશ લારીમાં જ લઈ રવાનના થઈ ગયો હતો.