ભચાઉ – ગાંધીધામ હાઈવે પર અજાણ્યા વાહન હડફેટે માતા – પુત્રનું મોત

રોડ ક્રોસ કરતી મહિલા અને તેના પુત્રનું અકસ્માતે મોત થતા ભચાઉ પોલીસ દ્વારા તપાસ ઃ સામખિયાળી ચેકપોસ્ટ નજીક અલ્ટો કાર – છકડા વચ્ચે અકસ્માતમાં છ જણને ઈજા

ભચાઉ ઃ અહીંથી ગાંધીધામ જતા હાઈવે પર બટીયા પુલ નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહને માતા – પુત્રને હડફેટમાં લેતા બન્નેના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. તો સામખિયાળી ચેકપોસ્ટ નજીક અલ્ટો કાર અને છકડા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ જણને ઈજાઓ પહોંચી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ – ગાંધીધામ હાઈવે પર ભચાઉની ભાગોળે બટીયા પુલ નજીક અજાણ્યા વાહન હડફેટે એક મહિલા અને એક બાળકનું મોત નિપજયું હતું. મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં ભચાઉ પોલીસ સુત્રોએ આપેલી પ્રાથમિક વિગતો મુજબ અંદાજે ૩૦ વર્ષિય મહિલા અને છએક વર્ષના પુત્રને અજાણ્યા વાહને હડફેટમાં લેતા બન્નેને મોત આંબી ગયું હતું. રોડ ક્રોસ કરતા માતા – પુત્રનું કરૂણ મોત નિપજતા ભચાઉ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. હતભાગીઓના મૃતદેહને પીએમ કરાવવા સહિત તેમની ઓળખ માટેની તપાસ આદરી છે.તો બીજીતરફ સામખિયાળી ચેકપોસ્ટ અને એસાર પેટ્રોલ પંપની વચ્ચે હાઈવે પર અલ્ટો કાર – છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડામાં સવાર છએક મુસાફરોને ઈજાઓ પહોંચતા વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.