ઝેરી દવા ગટગટાવી જનાર રામપર વેકરાના તરૂણનું સારવાર દરમિયાન મોત 

ભચાઉ : જિલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં ભચાઉમાં ટ્રેન હડફેટે આવી જવાથી ૭૦ વર્ષિય વૃદ્ધાનું કપાઈ જતા મોત નીપજ્યું હતું તો માંડવીના રામપર વેકરાના તરૂણે ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉમાં જુનાવાડામાં રહેતા ૭૦ વર્ષિય સભીબેન કાનાભાઈ રબારીનું ટ્રેન હડફેટે મોત નીપજ્યું હતું. ભચાઉના માન સરોવર રેલે ફાટક પર બનાવ બન્યો હતો. પોલીસમાં અપાયેલી ફેકિયત મુજબ હતભાગી વૃદ્ધા માનસિક બીમાર હોવાથી રેલવે ફાટક પાસે ફરતા હતા. દરમિયાન ટ્રેન આવી જતા કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાતા પીએસઆઈ સી.બી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રામપર વેકરામાં રહેતા ૧૭ વર્ષિય કાંતિ રમજુ કોલી નામના કિશોરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હતભાગીએ ગત તા.૭/૩ના પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેને સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવળતા ગત રાત્રે કિશોરે દમ તોડ્યો હતો. બનાવને પગલે ગઢશીશા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.