ભચાઉમાં કરૂણાંતિકા : કરમરિયા નજીક નર્મદા કેનાલમાં વોંધનો પરિવાર તણાયો

  • ભાઈ કેનાલમાં પડી જતા બહેન બચાવવા કુદી, બન્નેને બચાવવા પિતાએ લગાવી છલાંગ
ભચાઉ નગરપાલિકાની ટીમ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા કેનાલમાં ડૂબેલા પરિવારની શોધખોળ જારી

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના લોધેશ્વર પંમ્પીંગ સ્ટેશનથી કુંજીસર તરફ એક કિલોમીટરના અંતરે નર્મદા કેનાલમાં ભચાઉ તાલુકાના વોંધનો પરિવાર ડૂબી જતા શોધખોળ આદરવામાં આવી છે. બનાવને પગલે ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ આસપાસના સ્થાનિકો અને ગામોના સરપંચો ઘટના સ્થળે ધસી ગયા હતા, પરંતુ વહીવટી તંત્રના જવાબદારો સમયસર પહોંચ્યા ન હતા. ભચાઉમાં બનેલી કરૂણ ઘટનાની વિગતે વાત કરીએ તો લોધેશ્વર નજીક આવેલા નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશનથી કુંજીસર તરફ એક કિલોમીટરના અંતરે કરમરીયા નજીક બનાવ બન્યો હતો. મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના વોંધ ગામના માનસંગભાઈ કોલી સહિત તેનો પુત્ર અને પુત્રી નર્મદા કેનાલના પ્રવાહમાં તણાયા હતા. સુત્રોએ આપેલી માહિતી મુજબ માનસંગભાઈ કોલીનો પુત્ર કેનાલ નજીક પાણી પીવા માટે ગયો હતો, તે દરમ્યાન તેનો પગ લપસી પડતા તે કેનાલમાં ડૂબ્યો હતો. ભાઈને કેનાલમાં ડુબતો જોઈને તેની બહેન તેને બચાવવા માટે વહેતી કેનાલમાં કુદી પડી હતી, તો બન્ને સંતાનોને કેનાલમાં તણાતા જોઈને તેના પિતા માનસંગભાઈ કોલીએ પણ છલાંગ લગાવી હતી. કેનાલમાં ર૦ ફુટ જેટલું પાણી ભરાયેલું હતુ અને પમ્પીંગ સ્ટેશન પણ નજીક હોતા પાણીનો પ્રવાહ પણ પુરજોશમાં વહેતો હતો. બનાવની જાણ થતા આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ પણ મામલતદાર, પ્રાંત અધિકારી કે પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ બપોરે આ લખાય છે ત્યાં સુધી સાડા બાર કલાક વાગ્યા દરમ્યાન ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમના બે – ચાર માણસો ઉપરાંત
કરમરીયાના સરપંચ શંકરભાઈ આહિર, વોંધના સરપંચ કાનજીભાઈ પટેલ ઉપરાંત બન્ને ગામો અને ભચાઉ તેમજ કુંજીસરના કેટલાક ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા કોળી પરિવારની શોધખોળ આદરી હતી.

  • ભાજપના આગેવાનો શહેરમાં હારતોરા કરવામાં વ્યસ્ત
    ભચાઉ : તાલુકાના કરમરિયામાં સર્જાયેલી કરૂણાંતિકામાં વહીવટી તંત્રના જવાબદારો તો સમયસર ન પહોંચ્યા પરંતુ ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આગેવાનો પણ હારતોરાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. ર૩મીએ શહિદ દિન હોતા ભાજપના આગેવાનો શહેરમાં આવેલી તમામ મહાનુભાવોની પ્રતિમાઓને હારારોપણ કરવામાં વ્યસ્ત હતા. ઘટનાના સમાચાર વાયુવેગે પૂર્વ કચ્છમાં પ્રસરી ગયા હતા. તેમ છતાં અનેક આગેવાનોએ ઘટના સ્થળે જવાની માનવતા ચુકી ગયા હતા.

આ લોકો કેનાલમાં તણાયા
• માનસંગ હીરા કોલી – વોંધ
• બળદેવ માનસંગ કોલી – પુત્ર
• શાંતિબેન માનસંગ કોલી – પુત્રી

કેવી રીતે બન્યો બનાવ..?
ભચાઉ : તાલુકાના વોંધનો પરિવાર વહેલી સવારે પોતાના જી.જે.૧ર.એ.ઝેડ.૭૭પર નંબરના છકડા પર જતો હતો. માનસીંગભાઈ કોલી અને તેના પુત્ર બળદેવ અને પુત્રી શાંતિબેન સાથે હતા. દરમ્યાન બેચરભાઈ ખીમજીભાઈ ગામીના ખેતર નજીક આવેલી કેનાલ પાસે બનાવ બન્યો હતો. કેનાલ નજીક છકડો ઉભો રાખીને પાણી પીવા માટે પરિવાર ઉતર્યો હતો અને બાળકનો પણ લપસતા આ કરૂણાંતિકા સર્જાઈ હતી.

ઘટનાને પગલે પમ્પીંગ કરાયું બંધ
ભચાઉ : તાલુકાના લોધેશ્વર નજીક કેનાલમાં વોંધનો પરિવાર તણાઈ જવાની ઘટનાને પગલે પમ્પીંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું. કેનાલમાં પાણીના પ્રવાહ પુરજોશમાં હોવાથી નર્મદા નિગમ દ્વારા પમ્પીંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું. જેથી ધીમે ધીમે કેનાલમાં પાણી ઉતરવા લાગ્યું હતું. જો કે, બપોર સુધી કેનાલમાં તણાયેલા પરિવારનો કોઈ જ ભાળ મળી ન હતી.

બપોરે હતભાગી પિતાનો મળ્યો મૃતદેહ

ભચાઉ : નર્મદા કેનાલમાં સર્જાયેલી કરૂણાંતિકામાં હતભાગીઓના મૃતદેહ શોધવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. ઘટના સ્થળેથી અંદાજે પ૦ ફૂટના અંતરે હતભાગી પિતા માનસંગ કોલીનો મૃતદેહ મળી આવ્યો હતો.