ભચાઉમાં કથળતી કાયદો વ્યવસ્થા : ખાખીનો ખૌફ ઓસર્યો

શહેરમાં અસામાજીક તત્ત્વો હથિયારો સાથે ફરે છે ખુલ્લેઆમ : દારૂડીયાઓ પણ મસ્ત થઈને મહાલે છે : સામે કાયદાના રક્ષકોની નિષ્ક્રિયતાને કારણે કાયદો – વ્યવસ્થા કથળી

ભચાઉ : શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ ન હોય તેમ અસામાજીક અને લુખ્ખા તત્ત્વો બેખૌફ ફરી રહ્યા છે. હાથમાં લાકડી, ધોકા સહિતના હથિયારો લઈને ફરતા શખ્સો ગમે ત્યારે કોઈના પર પણ હુમલો કરી દેતા હોય છે. તો નશામાં ધૂત થઈને ફરનાર શખ્સોનો પણ શહેરમાં ત્રોટો નથી. ખાખીની નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્ત્વોને મોકળું મેદાન મળતું હોવાની ચર્ચાઓ જાગી છે.

આ અંગેની વિગતો મુજબ ગુનાખોરીના ગ્રાફમાં વાગડ વિસ્તાર આમ પણ પંકાયેલો છે. તેમાંય ખાસ કરીને ભચાઉમાં જાણે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડતા હોય તેવી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. અસામાજીક તત્ત્વો અને લુખ્ખા લોકો લાકડી ધોકા સહિતના હથિયારો સાથે શહેરમાં બેખૌફ ફરી રહ્યા છે. ભચાઉ સિટી પોલીસ સ્ટેશનની આજુબાજુમાં તેમજ નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ અસામાજીક તત્ત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સામાન્ય બાબતે પણ એક બીજા પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠી છે. તો શહેરમાં દેશી, વિદેશી દારૂના હાટડા પણ બેફામ બન્યા છે. સાંગુડીયો ગમે ત્યારે નશામાં ધુત થઈને શહેરમાં બબાલ કરતા હોય છે. પીયક્કડોને પણ પોલીસની કોઈ બીક ન હોય તેમ છાકટા બનીને ફરી રહ્યા છે તેવામાં પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.