છેલ્લા છ મહિનાથી શારીરિક-માનસિક ત્રાસ આપી મકાન વેંચવા કરાઈ મજબૂર : પરિણીતાએ દંપત્તી સામે ભચાઉ પોલીસમાં નોંધાવ્યો ગુનો

ભચાઉ : અહીંના લાયન્સ નગરમાં રહેતી પરિણીતાએ તેની સાથે છેડતી કર્યા ઉપરાંત શારીરિક માનસિક ત્રાસ આપનાર દંપત્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ૪૧ વર્ષિય પરિણીતાએ આરોપી મનજી રાઠોડ અને તેની પત્ની નીતાબેન મનજી રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ફરિયાદી બહેન પાસેથી જાતી માંગણી કરી હાથ પકડી લઈને છેડતી કરી હતી. આરોપી મહિલા પાછળ પડીને છેલ્લા છ મહિનાથી શારીરિક માનસિક ત્રાસ આપ્યા કરે છે.દરમિયાન ગુરુવારે ફરિયાદી પાસેથી આરોપીએ બિભત્સ માંગણી કરીને ધોકો લઈ મારવા માટે આવ્યો હતો. તેમજ મકાન વેંચવા માટે મજબૂર કરી હતી. આ ગુનામાં આરોપીની પત્નીએ મદદગારી કરી ભૂંડી ગાળો આપીને ત્રાસ આપ્યો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ સી.બી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.

ભચાઉના બનાવમાં એટ્રોસિટીની પ્રતિ ફરિયાદ

ભચાઉ : અહીંના લાયન્સનગરમાં મહિલાની છેડતીની ફરિયાદમાં પ્રતિ પક્ષ દ્વારા પણ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે સામી ફરિયાદ નોંધાવાઈ છે. ભચાઉ પોલીસ મથકેથી મનજી રવાભાઈ રાઠોડે મહેશ બચુભાઈ જોષી તેમજ ૧પથી ર૦ જણના ટોળા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે ધશી આવીને ફરિયાદીની પત્નીને જાતિ અપમાનિત કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા તે દરમિયાન ૧પથી ર૦ માણસોના ટોળાએ હથિયારો સાથે ધશી આવીને ધાકધમકી કરી હતી. બનાવને પગલે ભચાઉ પોલીસે ગુનો નોંધતા ના.પો. વી.આર.પટેલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.